Gujarat

પાટણમાં સમૂહ લગ્નમાં નેટવર્ક ખોરવાતાં બાળકો વિખૂટા પડ્યા

પાટણમાં 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા 22 નવેમ્બર, 2026ના રોજ રાત્રિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 30થી 35 હજાર લોકો એકત્ર થવાના હોવાથી મોબાઈલ નેટવર્કની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોએ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ત્રણ વખત રજૂઆત કરી હતી. કલેક્ટર, પ્રાંત અધિકારી અને ખાનગી ટેલિકોમ કંપનીની મુખ્ય કચેરીમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરીને હંગામી મોબાઈલ ટાવર ઊભું કરવાની માંગ કરવામાં આવી હતી. આ વ્યવસ્થાનો સંપૂર્ણ ખર્ચ ભોગવવાની તૈયારી પણ આયોજકોએ દર્શાવી હતી.

અધિકારીઓની સૂચના છતાં ટાવર ઊભું ન કરાયું આ મામલે ધારાસભ્યને સાથે રાખીને નાયબ કલેક્ટરને પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાંત અધિકારીએ ખાનગી ટેલિકોમ કંપનીની કચેરીને લેખિત પત્ર લખ્યો હતો, જ્યારે નાયબ કલેક્ટરે કંપનીના અધિકારીને ટેલિફોનિક સૂચના પણ આપી હતી. જોકે, આટલી રજૂઆતો અને સૂચનાઓ છતાં સમૂહ લગ્નના દિવસે સ્થળ પર હંગામી મોબાઈલ ટાવરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરિણામે કાર્યક્રમ દરમિયાન મોબાઈલ નેટવર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું.

બાળકો વિખૂટા પડતાં રાત્રે 2 વાગ્યા સુધી અફરાતફરી સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ વચ્ચે કેટલાંક નાનાં બાળકો પરિવારથી વિખૂટાં પડી ગયાં હતાં. મોબાઈલ નેટવર્ક બંધ હોવાથી બાળકોના વાલીઓનો સંપર્ક થઈ શકતો નહોતો. રાત્રે 2 વાગ્યા સુધી સંપર્ક સ્થાપિત ન થતાં આયોજકોએ જે-તે ગામના આગેવાનોની મદદ લઈને વિખૂટાં પડેલાં બાળકોને તેમના પરિવાર સુધી પહોંચાડ્યાં હતાં. આ ઘટનાને પગલે આયોજકોએ ખાનગી ટેલિકોમ કંપની અને જવાબદાર તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.