Gujarat

પાલનપુર-અંબાજી હાઈવે પર ઈકો કારમાંથી કોડીન સિરપની 720 બોટલ પકડાઈ

બનાસકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી દરમિયાન SOG પોલીસે પાલનપુર-અંબાજી હાઈવે પરથી કોડીન સિરપની 720 બોટલ ઝડપી પાડી હતી. ધનપુરા પાટિયા નજીક વાહન ચેકિંગ દરમિયાન GJ-18-BK-0739 નંબરની ઈકો કાર રોકીને તપાસ કરવામાં આવતાં કારમાંથી શંકાસ્પદ કોડીન સિરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સિરપ સહિત કુલ રૂ.11,80,530નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી.

કારની સીટ પરથી ખાખી બોક્સ મળી આવ્યાં બનાસકાંઠા રેન્જના ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી SOGની ટીમ હાઈવે પર વાહનોની તપાસ કરી રહી હતી. દરમિયાન ઈકો કારની વચ્ચેની અને પાછળની સીટ પર ખાખી પૂંઠાનાં બોક્સ મળી આવ્યાં હતાં. આ બોક્સ ખોલીને તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ નશાકારક કફ સિરપની 720 બોટલો મળી આવી હતી. સિરપના જથ્થા અંગે કોઈ આધાર કે પુરાવા રજૂ ન થતાં પોલીસે જથ્થો કબજે કર્યો હતો.

ઉદયપુર અને સાબરકાંઠાના બે શખ્સોની ધરપકડ પોલીસે આ મામલે ઉદયપુર જિલ્લાના કોટડાના નવાવાસમાં રહેતા 23 વર્ષીય સવજીરામ કામાભાઈ ખેર સાબરકાંઠાના પોશીના તાલુકાના કોટડા ગઢી ગામના 42 વર્ષીય ભમરૂભાઈ બધાભાઈ ગમારની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ સામે NDPS કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી પોલીસે કોડીન સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.