બનાસકાંઠાના નાગરિકોને ગૌરવ અપાવતા અનોખા જિલ્લા ગીત ‘બનાસ ગીત’નો અર્પણ સમારોહ દેવ દિવાળીના પાવન અવસરે બાલારામ ઉજાણી ગૃહ ખાતે યોજાયો હતો. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, કલાકારો, વરિષ્ઠ નેતાઓ અને પત્રકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાની બે અગ્રણી સાંસ્કૃતિક સંસ્થાઓ ‘વૃંદાવન પરિવાર, પાલનપુર’ અને ‘બનાસ મિત્રમંડળ, ડીસા’ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 20 કલાકારોના કાફલાએ નૃત્ય પ્રસ્તુતિ દ્વારા બનાસકાંઠાની સંસ્કૃતિની ભવ્ય ઝાંખી રજૂ કરી હતી, ત્યારબાદ ‘બનાસ ગીત’નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં જિલ્લાની નદીઓ, પર્વતો, જંગલો, સભ્યતા, આગવી બોલી, જૈવ વિવિધતા, અનોખી ખેતી પદ્ધતિ, સુપ્રસિદ્ધ મંદિરો અને વેપાર-ઉદ્યોગની ગાથા વણી લેવામાં આવી છે. ઉપસ્થિત અગ્રણીઓએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, આ ગીતથી દેશ-વિદેશના લોકોને બનાસકાંઠાનો સાચો પરિચય મળશે.

થોડા મહિના પહેલાં વતન માટે કંઈક નવું કરવાના વિચાર સાથે મંત્રી પ્રવીણ માળીએ મૂળ પાલનપુરના વતની અને મુંબઈ સ્થિત યુવા ફિલ્મ દિગ્દર્શિકા આદ્યા ત્રિવેદી સાથે પરામર્શ કરી આ ગીત તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. આદ્યા ત્રિવેદીએ સતત 7 દિવસ સુધી જિલ્લાના વિવિધ સ્થળોએ શૂટિંગ કરીને ગીતનું દિગ્દર્શન કર્યું છે. આ ગીતના નિર્માણમાં પાલનપુરના ધારાસભ્ય અને જાણીતા નાટ્યકાર અનિકેત ઠાકરનો પણ સર્જનાત્મક સહયોગ અને માર્ગદર્શન મળ્યું છે.

ગીતના નિર્માણ અંગે પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા ગુજરાતના એવા જૂજ જિલ્લાઓ પૈકીનો એક છે, જેની પાસે વિપુલ પ્રમાણમાં કુદરતી, સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય છે. અહીં નદી, પર્વત, જંગલ, રણ, વિશાળ ખેતી, વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો અને એશિયાની સૌથી મોટી ડેરી આવેલી છે. જિલ્લાનો નોંધપાત્ર વિકાસ થયો હોવા છતાં ક્યારેય આ વાત મોટા ફલક પર રજૂ થઈ નહોતી. ગીત એક એવું સશક્ત માધ્યમ છે, જેના થકી ‘બ્રાન્ડ બનાસકાંઠા’ની વાત દુનિયા સમક્ષ મૂકી શકાય. આ ગીતથી રાજ્યના અન્ય જિલ્લાઓને પણ પોતાના જિલ્લાની વાત ગર્વભેર રજૂ કરવાની પ્રેરણા મળશે.

