Gujarat

રાજકોટની 399 શાળા-કોલેજો પાસે ફાયર NOC નથી

રાજકોટ શહેરની 399 શાળાઓ અને કોલેજોની ઇમારતો પાસે ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. આવતીકાલથી શાળાઓ શરૂ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં 8 ફાયર સ્ટેશનની ટીમો શાળાઓ અને કોલેજોમાં તપાસ માટે જશે.

જે શાળા-કોલેજો પાસે ફાયર NOC નહીં હોય તેમને તે મેળવવી ફરજિયાત રહેશે, તેમજ NOC વિનાની સંસ્થાઓ સામે શાળા બંધ કરાવવા માટે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવશે. આ મામલે નિયમ મુજબ તમામ જરૂરી અને કડક કાર્યવાહી કરવાની ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ખાતરી આપી છે.

2,300થી વધુ બિલ્ડિંગોને નોટિસ ફટકારાઈ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું કે, શહેરમાં અલગ-અલગ પ્રકારની બિલ્ડિંગોને મળીને કુલ 2,300થી વધુ નોટિસો આપવામાં આવી છે. આ નોટિસો એવી ઇમારતોને ફટકારવામાં આવી છે, જ્યાં ફાયર સેફટીના સાધનો અપૂરતા છે અથવા તો જરૂરી નિભાવણીના અભાવે બંધ હાલતમાં છે.

કેટલીક ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો તો ઉપલબ્ધ હોય છે, પરંતુ ફાયર એક્સટીંગ્યુશર રિફિલિંગ કરવાના બાકી હોય, પાણીનો વાલ્વ કે મોટર જામ થઈ ગયા હોય અથવા ઇલેક્ટ્રિક વાયરિંગમાં કોઈ ખામી સર્જાઈ હોય તેવી બાબતો ધ્યાને આવતા આ નોટિસો આપવામાં આવી છે.

આઠ ટીમ દ્વારા શાળા-કોલેજોમાં ચેકિંગ હાથ ધરાશે કુલ 2,300થી વધુ નોટિસો પૈકી લગભગ 350થી 400ની આસપાસ એટલે કે 399 જેટલી શાળાઓ અને કોલેજોનો સમાવેશ થાય છે. આવતીકાલથી શાળાઓ શરૂ થઈ રહી હોવાથી ફાયર વિભાગ દ્વારા શાળા સંચાલકોને ખાસ તાકીદ કરવામાં આવી છે. રાજકોટના 8 ફાયર સ્ટેશન પરથી આજે જ આદેશ આપી દેવામાં આવ્યા છે. આવતીકાલથી 8 ફાયર સ્ટેશનની અલગ-અલગ ટીમો શહેરની શાળાઓ અને કોલેજોમાં જઈને યુદ્ધના ધોરણે ચેકિંગ કરશે.