Gujarat

વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પાવર કેબલ સહિતની કામગીરીને લઈ જાહેરનામું

વડોદરા શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અંડરગ્રાઉન્ડ પાવર કેબલ લાઈન નાખવાની તેમજ ડ્રેનેજ ગ્રેવિટી લાઈનની કામગીરીને પગલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે બે અલગ-અલગ ટ્રાફિક પ્રતિબંધના જાહેરનામા બહાર પાડ્યા છે. નાગરિકોની સલામતી અને કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે હેતુથી આજથી એટલે કે તા. 25 નવેમ્બરથી શહેરના બે મહત્વપૂર્ણ માર્ગો પર વાહનવ્યવહાર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.

ગેંડા સર્કલથી અટલ બ્રિજનો સર્વિસ રોડ પર 1 ડિસેમ્બર સુધી વાહનવ્યવહાર બંધ પ્રથમ જાહેરનામા મુજબ, વડોદરા શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જેટકો દ્વારા 66 કે.વી. પાવર ઈલેક્ટ્રિક કેબલ લાઈન HDD મશીન દ્વારા અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન જાહેર નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે પંડયા બ્રિજથી ગેંડા સર્કલ સુધીનો અટલ બ્રિજનો સર્વિસ રોડ 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી (કુલ 7 દિવસ) અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો આદેશ કરાયો છે.

દિવાળીપુરા રોડથી શ્રેણિક પાર્ક સુધી નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઈનની કામગીરી બીજા જાહેરનામા મુજબ, વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ-વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા દિવાળીપુરા રોડ જંક્શનથી યોગા સર્કલ થઈ શ્રેણિક પાર્ક સર્કલ સુધી તબક્કાવાર નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવનાર છે.

આ કામગીરી સુગમતાથી થાય અને શહેરીજનોની સલામતી જળવાઈ રહે તે હેતુથી દિવાળીપુરા રોડ જંકશનથી યોગા સર્કલ થઈ શ્રેણિક પાર્ક સર્કલ સુધીનો રસ્તો 25 નવેમ્બર- 2026થી 1 જૂન- 2027 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખી બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.