સાબરકાંઠા LCBની ટીમ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગાંભોઈથી હિંમતનગર તરફ નેશનલ હાઈવે પર આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાનથી ગાંધીનગર તરફ જઈ રહેલી ફોર્ચ્યુનર કાર નંબર GJ-12-DS-0025ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસે સરકારી વાહન આડું મૂકી કારચાલકને રોકવાનો ઈશારો કરતાં તેણે કાર થોડે દૂર ઊભી રાખી પુલ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, LCBની ટીમે કારને કોર્ડન કરી ચાલકને ઝડપી લીધો હતો.

રૂ.4.07 લાખનો દારૂ અને બિયરનો જથ્થો મળ્યો ફોર્ચ્યુનર કારની તપાસ દરમિયાન વિદેશી દારૂ અને બિયરની કુલ 1,246 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.4,07,239 થવા પામી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.5 હજારનો મોબાઈલ, ચાર નંબર પ્લેટ અને રૂ.20 લાખની ફોર્ચ્યુનર કાર મળી કુલ રૂ.24,12,239નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજસ્થાનના એક આરોપીની ધરપકડ, ત્રણની શોધખોળ આ મામલે પોલીસે રાજસ્થાનના સલૂમ્બર જિલ્લાના ડાલ ભાવાવત વાલા ફળા ગામના 32 વર્ષીય કિશોરસિંહ પર્વતસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે રાજસ્થાનના દેવગઢમાં રહેતા જયપાલસિંહ, ક્રિષ્ના અને ગાંધીનગર ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર એક અજાણ્યો શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું હતું.
LCBએ પકડાયેલા આરોપી અને ત્રણ ફરાર શખ્સો સહિત ચાર સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.

