ગીરગઢડા તાલુકામાં ગીરની ગોદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના 125થી વધુ સંતોએ ભગવાન તુલસીશ્યામના દર્શન કર્યા હતા. ‘સોરઠ પંચતીર્થ યાત્રા’ અંતર્ગત સંતમંડળના આગમનથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. સંતોએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. યાત્રામાં વરિષ્ઠ સંતો પૂજ્ય આત્મતૃપ્તસ્વામી, પૂજ્ય કર્મનિષ્ઠસ્વામી અને પૂજ્ય યોગીપુરુષસ્વામી સહિત 125થી વધુ સંતો જોડાયા હતા.
મંદિર વતી ચિરાગભાઈ, સામાજિક કાર્યકર મનીષભાઈ ઝાલોંધરા, તખ્તસિંહ, ધોકડવાના BAPS હરિભક્તો અને સ્થાનિક અગ્રણીઓએ સ્વાગત-સન્માન કર્યું હતું. દર્શન બાદ સંતોએ ઐતિહાસિક મહત્ત્વ જાણી ગૌશાળા અને પવિત્ર ગરમ પાણીના કુંડની મુલાકાત લઈ માનવકલ્યાણની પ્રાર્થના કરી હતી. સોરઠના તીર્થોમાં સત્સંગ-સંવાદ થકી સંસ્કાર, સેવા અને સદભાવનાનો સંદેશ અપાઈ રહ્યો છે, જેનાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. .

