શહેરમાં ખરીદી, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 25 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી 2027 સુધી આ ફેસ્ટિવલ યોજાશે. આ ફેસ્ટિવલ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો ખરીદીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાણી-પીણી અને મનોરંજનનો આનંદ માણી શકશે. શહેરના વેપાર-ધંધાને વેગ આપવા તેમજ સ્થાનિક વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
6 થીમ આધારિત શોપિંગ સ્ટ્રીટ તૈયાર કરાશે આ વર્ષના શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદમાં 6 થીમ આધારિત શોપિંગ સ્ટ્રીટ તૈયાર કરવામાં આવશે. દરેક શોપિંગ સ્ટ્રીટને એક વિશિષ્ટ થીમ આપવામાં આવી છે, જેથી નાગરિકોને તેમની પસંદગીની વસ્તુઓ એક જ સ્થળે અને આકર્ષક વાતાવરણમાં મળી રહે. આ અંતર્ગત સિંધુભવન રોડ ખાતે ફેશન સ્ટ્રીટ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર સ્ટ્રીટ, નિકોલ ખાતે ક્રાફ્ટ સ્ટ્રીટ, વસ્ત્રાપુર ખાતે સેન્ટ્રલ પાર્ક, માણેકચોક અને રતનપોળ ખાતે હેરિટેજ પોલ સ્ટ્રીટ તથા સી.જી. રોડ ખાતે જ્વેલરી સ્ટ્રીટની થીમ આધારિત શોપિંગ સ્ટ્રીટ તૈયાર કરવામાં આવશે.
શહેરના 7 શોપિંગ હોટસ્પોટ પણ નિર્ધારિત શોપિંગ ફેસ્ટિવલને વધુ વ્યાપક બનાવવા માટે શહેરના 7 શોપિંગ હોટસ્પોટ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં પેલેડિયમ મોલ, બોપલ-આંબલી રોડ, રાજપથ રંગોલી રોડ, લો ગાર્ડન, કાંકરિયા, વિસ્તૃત ચાંદખેડા-મોટેરા વિસ્તાર તેમજ કંકુ બાગ મોલ અને દેવ મોલ (વસ્ત્રાલ)નો સમાવેશ થાય છે. આ સ્થળોએ પણ ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ શોપિંગ અને મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. શોપિંગ ફેસ્ટિવલ 2026-27માં ખરીદી કરતા નાગરિકો માટે રેફલ અને લકી ડ્રોનું પણ વિશેષ આયોજન કરવામાં આવશે, જેના માધ્યમથી નાગરિકોને આકર્ષક ઇનામો જીતવાની તક મળશે.

