ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે રો-રો ફેરી સર્વિસ મારફતે દરિયાઈ માર્ગે સુરતના હજીરાથી ઘોઘા લાવવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 8000થી વધુ બોટલો સાથે 28.72 લાખનો મુદ્દામાલ જપ્ત ઘોઘા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે હજીરા તરફથી રો-રો ફેરી દ્વારા ઘોઘા પહોંચેલા એક ટ્રક નં.MH.04.LQ.0272 ને ઘોઘા જકાતનાકા ચોકડી પાસે અટકાવવામાં આવ્યો હતો.
ટ્રકમાં તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ઇમપીરયલ વ્હિસ્કીની ક્વાટર બોટલ નંગ-4128 કિંમત રૂ.11,35,200, બિયરના ટીન નંગ-4440 કિંમત રૂ.9,76,800, ટ્રક ની કિંમત રૂ.7,50,000 તથા મોબાઇલ ફોન કિંમત રૂ.10,000 મળી પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ.28,72,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ટ્રક ચાલક સૈફઅલીખાનની અટકાયત આ મામલે પોલીસે ટ્રક ચાલક સૈફઅલીખાન મોહમદમુસા ખાન ઉં.વ.41, રહે. હાલ કાંદીવલી ઇસ્ટ, મુંબઈ; મૂળ રહે. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશની અટકાયત કરી છે. આ ઉપરાંત વાપી/દમણના વીપુલ અને યોગેશ ઉર્ફે શિવ, મુંબઈના અંધેરી ઇસ્ટ ખાતે રહેતા ટ્રક માલિક ગંગાધર શીલકે તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

