ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને સવા મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી 10 સમિતીઓમાં હોદ્દાઓની ફાળવણી થઈ શકી નથી. શાસક ભાજપમાં પ્રભાવશાળી સમિતીઓ કબજે કરવા માટે જુદા જુદા જૂથો વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણના કારણે નિમણૂકો અટવાઈ પડી છે. આ સ્થિતિ વચ્ચે કમૂરતા શરૂ થાય તે પહેલાં નવી સમિતીઓ રચી દેવાની ખાતરી આપીને અસંતુષ્ટ સભ્યોને સમજાવવાના પ્રયાસો તેજ બન્યા છે.
38 બેઠકો પર જીત મેળવી ભાજપે સત્તા જાળવી રાખી ગાંધીનગર મહાનગર પાલિકાની ગત 13 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીના પરિણામમાં 44માંથી 38 બેઠકો પર ભવ્ય જીત મેળવી ભાજપે સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસે મુખ્ય વિપક્ષ તરીકે પુનરાગમન કર્યું હતું.
જોકે પરિણામ બાદ મેયર અને ચેરમેન પદની પસંદગીમાં જૂથોની હરીફાઈને લીધે ત્રણ અઠવાડિયા બાદ 3 નવેમ્બરે હોદ્દેદારોની જાહેરાત થઈ શકી હતી. ત્યારબાદ બે સપ્તાહમાં 10 સમિતીઓના ચેરમેનની નિમણૂકો થવાની ધારણા હતી, પરંતુ હોદ્દેદારોની વરણીના ત્રણ અઠવાડિયા પછી પણ સમિતીઓનું માળખું આકાર લઈ શક્યું નથી.
મોવડીમંડળની ‘રાહ જુઓ અને નિર્ણય લો’ની રણનીતિ મેયર અને ચેરમેન પદની પસંદગી વેળાએ ત્રણ જૂથો વચ્ચેના સંઘર્ષમાં સંગઠને અંતિમ ક્ષણે અણધાર્યો નિર્ણય લઈને બાજી પલટી નાખી હતી. વર્તમાન સમયે પણ પક્ષના મોવડીમંડળ દ્વારા જૂથોની રાજકીય ગતિવિધિઓ પર નજર રાખીને ‘રાહ જુઓ અને નિર્ણય લો’ની રણનીતિ અપનાવવામાં આવી રહી હોવાનું ચર્ચાય છે.

