Gujarat

રાજકોટ નજીક હલેન્ડા ગામે હિટ એન્ડ રનની ઘટના

રાજકોટ નજીક હલેન્ડા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં બોલેરો કારના ચાલકે બાઇકને અડફેટે લેતા 50 વર્ષીય રામજી ચૌહાણનું મોત નીપજ્યું છે. પોલીસ તપાસમાં મૃતક રામજીભાઈ પોતાનું બાઇક લઇ પેટ્રોલ પુરાવવા જતા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

બોલેરોએ પાછળથી ટક્કર મારતા બાઇકચાલકનું ઘટના સ્થળે મોત રાજકોટ નજીક હલેન્ડા ગામે રહેતા 50 વર્ષીય રામજીભાઈ ભીખાભાઈ ચૌહાણ ગઈકાલે પોતાનું બાઈક લઈને જતા હતા, ત્યારે ખારચીયા ગામથી હલેન્ડા ગામ વચ્ચે આવેલા એચપીના પેટ્રોલ પંપ સામે પૂરપાટ ઝડપે આવતા બોલેરો કારના ચાલકે રામજીભાઈને બાઈક સહિત પાછળથી ટક્કર મારી હતી.

જેના કારણે તેઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા જેમાં તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થવા પામી હતી. આસપાસમાં રોડ પર ઉપસ્થિત લોકોએ 108માં ફોન કરતા 108ના EMT એ તપાસી તેઓને ઘટનાસ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત પોલીસ તપાસમાં મૃતક રામજીભાઈ ખેતી કામ કરતા હોવાનું અને તેઓ ચાર ભાઈ અને બે બહેનમાં મોટા હોવાનું સામે આવ્યું છે. રાત્રે તેઓ બાઇકમાં પેટ્રોલ પુરાવવા માટે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે. હાલ આજી ડેમ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.