રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય આજે અચાનક જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે જઈને તાજેતરમાં નાર્કોટિક્સની રેડ દરમિયાન હુમલામાં ઘાયલ થયેલા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમની હિંમતને બિરદાવી હતી. આ મુલાકાત દરમિયાન જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર જી.જી. હોસ્પિટલ ખાતે રેન્જ DIG નિર્લિપ્ત રાયની મુલાકાત સમયે ASP પ્રતિભા, DYSP જયવીરસિંહ ઝાલા, PI જે.બી. ચૌધરી, SOG PI વી.જે. રાઠોડ, એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) ના PI ધવલ પટેલ તેમજ સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI રોહિતસિંહ ડોડીયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં DIG નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, ગત 22 તારીખે જામનગરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા NDPSની રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરાયો હતો. આરોપીઓ પકડાયેલો મુદ્દામાલ છીનવીને ભાગી જવા માંગતા હતા, પરંતુ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં અદમ્ય બહાદુરી દાખવી મુદ્દામાલ બચાવી લીધો હતો. આ મામલે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ‘હત્યાના પ્રયાસ’ અને ‘NDPS એક્ટ’ હેઠળ બે અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે.
ગુનેગારો સામે કડક કાર્યવાહીના સંકેત DIG નિર્લિપ્ત રાયે વધુમાં કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકારની ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ સમગ્ર રેન્જમાં કડક કાર્યવાહી ચાલી રહી છે. ડ્રગ્સનું વેચાણ કરવું અને ઉપરથી પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી હુમલો કરવો તે અત્યંત ગંભીર ગુનો છે.
બંને ગુનાઓની તપાસ અલગ-અલગ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. પુરાવા આધારિત કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરાશે અને જે આરોપીઓ હજુ ફરાર છે, તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. તેમને પકડ્યા બાદ પણ કાયદાની કડક જોગવાઈ મુજબ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.

