પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના વરેઠા, વડનગર, વિસનગર, મહેસાણા અને કલોલના દૈનિક મુસાફરોની લાંબા સમયની માંગને પગલે વરેઠા–ગાંધીનગર કેપિટલ મેમુ ટ્રેનને અમદાવાદના વટવા સ્ટેશન સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, મુંબઈના બાન્દ્રા ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ નંબર ૫ના સમારકામ માટે 75 દિવસનો મેગા ટ્રાફિક બ્લોક જાહેર કરાયો છે, જેના કારણે કચ્છ-સૌરાષ્ટ્ર અને રાજસ્થાન તરફ જતી-આવતી 9 જેટલી મહત્ત્વની ટ્રેનોના સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વરેઠા–ગાંધીનગર મેમુ ટ્રેન હવે વટવા સુધી દોડશે પશ્ચિમ રેલવેએ વરેઠા–ગાંધીનગર કેપિટલ મેમુ ટ્રેનનું વટવા સ્ટેશન સુધી વિસ્તરણ કર્યું છે. આ વિસ્તૃત રૂટ પર ટ્રેનને ચાંદખેડા રોડ, સાબરમતી, કાલુપુર (અમદાવાદ) અને મણિનગર સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે, જેનો સમય નીચે મુજબ રહેશે:
વટવાથી વરેઠા: તા. 29 નવેમ્બરથી આ ટ્રેન વટવાથી સાંજે 5.10 વાગ્યે ઉપડશે અને મણિનગર (5.15), અમદાવાદ (5.25), સાબરમતી (5.58), ચાંદખેડા રોડ (6.07), ગાંધીનગર કેપિટલ (6.35), કલોલ (7.04) અને મહેસાણા (7.58) થઈને રાત્રે 9.30 વાગ્યે વરેઠા પહોંચશે.
વરેઠાથી વટવા: તા. 30 નવેમ્બરથી આ ટ્રેન વરેઠાથી સવારે 6.15 વાગ્યે ઉપડશે અને મહેસાણા (7.18), કલોલ (8.12), ગાંધીનગર કેપિટલ (8.43), ચાંદખેડા રોડ (9.05), સાબરમતી (9.28), અમદાવાદ (10.05) અને મણિનગર (10.20) થઈને સવારે 10.45 વાગ્યે વટવા પહોંચશે.
બાન્દ્રા ટર્મિનસ પર 1 ડિસેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી 75 દિવસનો ટ્રાફિક બ્લોક મુંબઈના બાન્દ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નં. 5 પર સિમેન્ટ કોંક્રિટ એપ્રનની કામગીરી માટે 1 ડિસેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી 75 દિવસનો ટ્રાફિક બ્લોક રહેશે, જેના કારણે નીચે મુજબની ટ્રેનોના ટર્મિનેટ અને ઉપડવાના સ્ટેશનમાં ફેરફાર કરાયો છે.

