મુંબઈ
મુંબઈના મેયર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જમ્બો કોવિડ સેન્ટર ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જમ્બો કોવિડ સેન્ટરમાં ૨૫૦૦ બેડની સુવિધા છે. તમને જણાવી દઈએ કે, ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે “શાસક પક્ષ કોવિડ કેન્દ્રોનો ઉપયોગ માત્ર કમાણી માટે કરી રહી છે. આથી લોકોમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય વધી રહ્યો છે. હું ટૂંક સમયમાં કોવિડ જમ્બો સેન્ટર્સના નામે ચાલી રહેલા કૌભાંડના પૂરવા સામે લાવીશ”. હાલમાં કોરોના સંક્રમણમાં ઝડપથી વધારો થયો હોવા છતાં રાજ્યમાં ૪૨૪ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બે દિવસ પહેલા સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ઓક્સિજનની માંગ પ્રતિદિન ૭૦૦ મેટ્રિક ટન સુધી ન પહોંચે ત્યાં સુધી રાજ્યમાં કોઈ લોકડાઉન રહેશે નહીં.મુંબઈમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે મેયર કિશોરી પેડનેકરે માત્ર મુંબઈમાં લોકડાઉન અંગેની પરિસ્થિતિ જ સ્પષ્ટ નથી કરી, પરંતુ વિપક્ષ પર પણ આરોપ લગાવ્યા છે. કિશોરી પેડનેકરે કહ્યુ, ‘મને અંગ્રેજી આવડતું નથી. મેં મરાઠીમાં જે કહ્યું તેના અર્થનો વિપક્ષી નેતાઓ અનર્થ કરી રહ્યા છે. અમે નહી,પરંતુ વિપક્ષી નેતાઓ જનતામાં કોરોનાની સ્થિતિ અને લોકડાઉનનો ડર વધારી રહ્યા છે. મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતુ કે, મુંબઈમાંથી ૨૦ હજાર કેસમાંથી ૧૭ હજાર કેસ હળવા લક્ષણોવાળા સામે આવી રહ્યા છે. તેમજ સૌથી મોટી રાહત એ છે કે તેમાંથી એક પણ દર્દી આઈ.સી.યુમાં નથી. પરિસ્થિતિ ગમે તે હોય, અમે ગભરાતા નથી. બીએમસીની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. વિપક્ષી નેતાઓ માટે ગાંજાે પીને ટીકા કરવી સહેલી છે. પરંતુ પરિસ્થિતિને અનુસાર બીએમસી તેનુ કામ કરી રહી છે.હાલ કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં છે. તેથી અત્યારે લોકડાઉનનો કોઈ પ્રશ્ન જ નથી. વધુમાં તેમણે કહ્યુ કે, મેં ક્યારેય નથી કહ્યુ કે જાે ૨૦ હજાર કેસ આવશે તો મુંબઈમાં લોકડાઉન થઈ જશે
