અમદાવાદ
સરકારે ત્રીજી લહેર માટે ૨૦ નવાં નિયંત્રણો મૂક્યાં છે, જેમાં રાત્રિ કર્ફ્યૂવાળાં ૧૦ શહેરમાં ત્રણ નિયંત્રણ, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારમાં અન્ય ૧૭ નિયંત્રણ છે. ૧૦ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ, દુકાનો-લારી ગલ્લાઓ, હોટલ-રેસ્ટોરાં અને અન્ય વિસ્તારોમાં રાજકીય-સામાજિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગ, અંતિમક્રિયા-દફનવિધિ, પબ્લિક તથા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, સિનેમા હોલ, જિમ, વોટરપાર્ક-સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ-મનોરંજક સ્થળો, જાહેર બાગ બગીચાઓ, ધોરણ ૯થી ગ્રેજ્યુએટ સુધીનાં કોચિંગ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજ, સ્પર્ધાત્મક-ભરતી પરીક્ષાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં નિયંત્રણો લાદ્યાં છે.ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ કોરોનાનો પગપેસારો થઈ ચૂક્યો છે. હાઇકોર્ટ સ્ટાફના ૪૦થી વધુ કર્મીઓ પોઝિટિવ આવ્યા છે, જ્યારે સરકારી વકીલોની કચેરીમાં પણ ૩ વકીલ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ સિવિલના ૯ ડોક્ટર સહિત ૧૦ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં હવે ૫૦૦૦થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે, કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં સરકારે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે. નવાં નિયંત્રણો જાહેર કરવાને લઈ ૭ જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. ૧૦ શહેરમાં રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. જ્યારે ધોરણ ૧થી ૯ની સ્કૂલો બંધ કરી છે.


