સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, વાત તો સાચી છે કે આ મકરસંક્રાતિના પર્વમાં સાવરકુંડલા શહેરમાં બે દિવસ વીજપુરવઠો ખોરવાયો. આમ ગણો તો વીજળી એટલે જાણે માનવનું હ્રદય જ સમજો.!!આ વીજળી વગર આજનાં સમયમાં લગભગ મોટા ભાગના કાર્યો ઠપ્પ થઈ જતાં હોય છે. આજે ઘરવપરાશ માટેના ઉપકરણો પણ હવે વીજળી આધારિત થયાં છે. પછી તે મીક્શ્ચર હોય, વોટર પંપ હોય, ફ્રીઝ હોય, વોશિંગ મશીન હોય કે એર ક્લીનર હોય હા, ટી. વી મોબાઇલ બેટરી રિચાર્જ હોય. ઘરની મોટાભાગની જરૂરિયાત વીજ પર નિર્ભર હોય છે. છેલ્લા બે દિવસથી એટલે કે મકરસંક્રાતિ અને વાસી ખીહર આ બંને દિવસોમાં વીજપુરવઠો ખોરવાયો એટલે કે ઠપ્પ થયો. એટલે સાવરકુંડલા શહેરમાં લોકો પણ ઉકળી ઉઠ્યા વાત સાચી છે .કોઈ દુકાન, ઓફિસ, હોસ્પિટલ કે ફેક્ટરી તમામને કોઈને કોઈ રીતે વીજળીની જરૂરિયાત લગભગ બારેક કલાક તો અવશ્ય પડે છે. એટલે વીજળી એ જીવન જીવવાનું આવશ્યક અંગ બની ચૂક્યું છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. એટલે આ બે દિવસ લોકોને વીજપુરવઠો ખોરવાયો એટલે તોકતે વાવાઝોડાની થોડી યાદ પુનર્જીવિત થઈ.!!પરંતુ આ સમસ્યાનું મૂળ ક્યાં ? એ પણ આ મકરસંક્રાતિના પર્વ બાદ વિચારવું પડશે. હા, સમયની સાથે હવે પતંગ ઉડાડવાનો ક્રેઝ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એમાં પણ આ મકરસંક્રાતિ પર્વ એટલે કાપા કાપી પેચ લડાવી ઊંચા આકાશમાં જાણે કુરુક્ષેત્ર જેવું પતંગ યુધ્ધ ચાલતું જોવા મળે. આવી સ્થિતિમાં વળી પાછી બીજાની પતંગ કાપવા માટે દોરીને ખૂબ માંજવામાં આવે..!! પતંગ ઉડાવનાર ખુદ પોતાની આંગળીઓ સુરક્ષિત રહે તે માટે સુરક્ષિત બેન્ડ પટ્ટી લગાવી દે છે.!! બસ અહીં આપણો પતંગ ન કપાવો જોઈએ એ લક્ષ સાથે પતંગ ઉડાડતી વેળાએ વિવિધ પ્રયુક્તિઓ પણ કરતાં જોવા મળે છે. આમ તો સાવરકુંડલા શહેર લગભગ પાંચેક કિલોમીટરનાં દાયરામાં વિકસેલું છે. અને માનવ મહેરામણ દિનપ્રતિદિન વધતો જાય છે. હા એટલે જ કદાચ આ સમય દરમિયાન વીજપુરવઠો બંધ રાખવામાં આવ્યો હશે. જો કે સાવરકુંડલા શહેરમા આ પણ પ્રથમ પ્રયાસ હતો જ્યારે જીઈબીએ લેખિત જાહેર સૂચના દ્વારા મકરસંક્રાતિના દિવસે સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાની સૂચના આપવામાં આવેલ. કારણ પતંગ ઉડાડતી વખતે વીજવાયર અને વીજપોલ ફરતે વીંટળાતી પતંગો અને દોરીઓ ઠેર ઠેર જોવા મળેલ અને કોઈ વીજળી આધારિત દુર્ઘટના ન બને એની સાવચેતી ખાતર જ આ વીજપુરવઠો બંધ કરવાની તંત્રને ફરજ પડી હશે. આ બાબતે શહેરનાં વિવિધ વિસ્તારોની મુલાકાત લેતાં લગભગ વીજપોલ અને વીજવાયરો પતંગ અને દોરીથી વીંટળાયેલ જોવા મળેલ. હા આ દોરીઓને કારણે અનેક નિર્દોષ પક્ષીઓ ઘાયલ થયેલાં પણ જોવા મળેલ. જીઈબી દ્વારા વીજપુરવઠો પુનઃ કાર્યાન્વિત કરવા માટે આ સમય દરમિયાન વીજફોલ્ટને શોધી અનેક જગ્યાએ વીંટળાયેલી એ પતંગ અને દોરીને દૂર કરવા પોતાના પરિવારને છોડી આ કામગીરીમાં વ્યસ્ત જોવા મળેલ. છેલ્લા બે દિવસથી અવિરત કામગીરી કરતાં હોવા છતાં ઠેર ઠેર વીજફોલ્ટ હોય તેને વ્યવસ્થિત કરતાં પૂર્વાનુમાન કરતાં વધુ સમય લાગે એ પણ સ્વાભાવિક છે. પરંતુ આપણે તો વીજપુરવઠો ન મળે એટલે દોષ તંત્રને દઈએ છીએ. પરંતુ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આ પરિસ્થિતિના નિર્માણ માટે શું આપણે સ્યંમ જવાબદાર નથી? એ પ્રશ્ર્ન પણ આપણી જાતને જ પૂછી આત્મમંથન કરવું પડે. ખાસ કરીને પતંગો ઉડાડવા માટે વપરાતી ચાઈનીઝ દોરાને લીધે વીજવાયરોમાં એટલી ગુંચ પડે કે તેને દૂર કરતાં ખાસ્સો સમય નીકળી જાય છે. આવી પરિસ્થિતિમાં ખાલી વીજકર્મચારીઓને દોષ કેમ દેવો? શું આ ચાઈનીઝ દોરાનો ઉપયોગ પણ થતો હોય તેનાં માટે જવાબદાર કોણ? બસ આ બાબતે આત્મમંથન કરવાની તાતી જરૂર છે. આ સંદર્ભે ચાઈનીઝ દોરી વપરાતી હોય તો વેચાતી પણ હશે જ ને? સાવરકુંડલા શહેરમાં પણ આ ચાઈનીઝ દોરીનાં ઉપયોગ નહીં કરવા અંગે પણ લોકોને જાગૃત કરવા માટે અમુક સંસ્થાઓએ ભરપૂર પ્રયાસ કર્યો હતો. પરંતુ લાગે છે લોકોમાં પર્યાપ્ત માત્રામાં જાગૃતિ આવી નથી.. પરંતુ હજુ પણ આપણે આ ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં ટાળીએ તો એક સમયે આ અંધકાર પણ આપણને જ ભરખી જશે. જેના નિમિત્ત પણ આપણે જ હશું.!!એટલે ખાલી વીજકર્મચારીઓને દોષ નહીં દેતાં આપણે ચાઈનીઝ પ્રોડક્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ એ જ સાચું તર્પણ છે મકરસંક્રાતિ પર્વનું. આ ધરતીનું શરીર આ ચાઈનીઝ દોરી કે ચાઈનીઝ પ્રોડક્ટને લીધે ન ખરડાઈ એ જોવાની જવાબદારી પણ હવે આપણી જ ગણાય.
