જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ નિર્ધારિત થયું છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન શહેરના સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. પીએમના આગમન પૂર્વે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવાની વિશેષ અને ભવ્ય કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ગૌરવ પથ માર્ગ બનશે આકર્ષણનું કેન્દ્ર: રોશનીનો શણગાર વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને શહેરના પ્રતિષ્ઠિત ગૌરવ પથ માર્ગને ખાસ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે. ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના આ માર્ગના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પર ઝગમગતી રંગબેરંગી રોશની લગાડવાની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે, જે માર્ગની શોભામાં અભિવૃદ્ધિ કરશે.

પાંચ મુખ્ય સર્કલો લાઈટિંગથી સજ્જ: એરફોર્સ રોડ પર રોનક આ ઉપરાંત, લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, દિગ્જામ સર્કલ અને મહાકાળી સર્કલ સહિત શહેરના 5 મુખ્ય સર્કલોને પણ અત્યંત આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. એરફોર્સના ગેટથી લાલ બંગલા સુધીના માર્ગ પરના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને પણ ગૌરવશાળી રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે.

