અંજાર
અંજાર બસ સ્ટેશનમાં માત્ર ટુવાલ વિંટેલી હાલતમાં ભટકતો માનસિક દર્દી નજરે પડતાં અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નાનજી ભાઈ કે. ચાવડાએ અંજારમાં પાગલ પ્રેમી તરીકે ઓળખાતા દયારામ મારાજને ફોન કર્યો હતો. જેથી દયારામભાઈ દ્વારા અપનાઘર આશ્રમ ગાંધીધામના સેવાભાવી યોગેશભાઈને ફોન કરી બોલાવી લેવામાં આવ્યા હતા અને સંસ્થા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ રેપીડ ટેસ્ટ કર્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાં અંજાર સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી તો ત્યાં પણ પોઝિટિવ આવ્યો હોવાથી તેને રામબાગ આદિપુરમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં કોરોના વોર્ડ ચાલુ નથી થયો. તેવો જવાબ મળતાં ૧૦૮ દ્વારા જી. કે. જનરલ હોસ્પિટલ ભુજમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ૩ દિવસ સારવાર આપ્યા બાદ કોરોના નેગેટીવ આવતા માનસિક બીમારીનો ઈલાજ કરવાની જગ્યાએ જવાબદારી માંથી છટકવા મેઘપર-બો. ખાતેની લીલાશા કોવિડ હોસ્પિટલ મૂકી દેવામાં આવ્યો હતો. આ દર્દીને માનસિક બીમારી હોવાથી લીલાશા પહોચવાની સાથે જ મોકો જાેઈ તે સ્ટાફના હાથ માંથી છટકી ગયો હતો અને ફરી રખડતો થયો હતો. જેથી સંસ્થાના કાર્યકરો દ્વારા મોડી રાત સુધી તેની તપાસ કરી હતી પરંતુ તે ન મળતા આખરે અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી. પાગલપ્રેમી દયારામભીના જણાવ્યા મુજબ દિનેશ માથુર નામના વ્યક્તિને કોઈ વ્યક્તિ નોકરીના બહાને બિહારથી અંજાર લઇ આવ્યો હતો. જે બાદમાં તે વ્યક્તિએ પગાર કે ટીકીટ માટે એક પણ રૂપિયો આપ્યો નહીં અને કાગળ પર સહી કરાવીને ભગાડી મુક્યો હતો. જે બાદ રૂપિયા ન હોવાથી લાચારીના કારણે લોકો પાસે ટીકીટ માટે દિનેશે ભીખ માંગી પણ કોઈએ કઈ આપ્યું નહિ. અંતે રસ્તે આખડતો તેની પેટની આગ બુઝવવા માટે ભિક્ષા માંગવા લાગ્યો હતો. જે વાતનો સખત આઘાત લગતા માનસિક બીમારીનો અને કોરોનાનો ભોગ બન્યો હતો. માનસિક રોગ લાગુ પડી ગયા બાદ દિનેશ કોઈક ગામડામાં જઈ ચડ્યો હતો. હાલે અંજાર તાલુકા વિસ્તારમાં ચોરીઓનો માહોલ ચાલતો હોવાથી ગ્રામ્ય લોકોએ તેને ચોર સમજી લીધો હતો અને તેને ખૂબ ઢોર માર માર્યો હતો. જેથી સંસ્થાને તે જયારે મળ્યો ત્યારે તેની પ્રથમ સારવાર કરાવવામાં આવી હતી.અંજારના પાગલપ્રેમી તરીકે ઓળખાતા વ્યક્તિ દ્વારા અનેક માનસિક રોગીઓના વ્હારે આવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે, પરંતુ તંત્રને આવી સેવાઓની કોઈ કદર ન હોવાથી તમામ મહેનત એળે જતી હોય છે. ૩ દિવસ પહેલા અંજાર બસ સ્ટેશન માંથી મળેલા માનસિક રોગીને કોરોના પોઝીટીવ હોવાથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મુકવામાં આવ્યો હતો. જ્યાં માત્ર કોરોનાનો ઈલાજ કર્યા બાદ હાથ ઉચા કરી અંજાર મૂકી દેવામાં આવતા માનસિક રોગી દર્દી અંજારની હોસ્પિટલ માંથી નાસી ગયો હતો. માત્ર તંત્રની ભૂલના કારણે દુખિયારાને ફરી રખડતો કર્યો હતો.
