નવીદિલ્હી
૨૬ જાન્યુઆરી પછી કોઈપણ દિવસે તાતાને એર ઇન્ડિયાની સોંપણી થઈ શકે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલી હરાજી બાદ તાતા સન્સે એર લાઇન્સ પર નિયંત્રણ સ્થાપિત કર્યાના એક મહિના પછી અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. એરલાઇનનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ થયું તે પહેલાં તાતા ગ્રૂપે ૧૯૩૨માં તાતા એરલાઇન્સની સ્થાપના કરી હતી. હને તાતા સન્સના એકમ તેલેસ પ્રાઇવેટ લિમિટેડે એર ઇન્ડિયાનું નિયંત્રણ પોતાને હસ્તક લીધું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓને આંતરિક સંદેશો પાઠવીને જાણ કરવામાં આવી છે કે સોમવારે સાંજ સુધીમાં ક્લોઝિંગ બેલેન્સશીટ સબમિટ કરી દેવામાં આવશે. તે પછી સમીક્ષા માટે બેલેન્સશીટ તાતા સન્સને મોકલવામાં આવશે. ગુરુવાર સુધીમાં એરલાઇનનું તેના નવા માલિકને હસ્તાંતરણ થઈ જશે.


