અમેરિકા
ભારતમાં જ નહીં વિદેશમાં પણ ભૂલ થાય છે એટલે તો કહેવાયું છે માણસ માત્ર ભૂલને પાત્ર… અમેરિકાની ઓકલેન્ડ યુનિવર્સિટીના ૫૫૦૦ વિદ્યાર્થીઓની ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેમને યુનિવર્સિટી તંત્ર તરફથી દરેક વિદ્યાર્થીને ૩૬ લાખ રૂપિયાની સ્કોલરશિપ આપવાનો મેસેજ મળ્યો. જાે કે આ હજારો વિદ્યાર્થીઓની ખુશી લાંબો સમય ટકી ન હતી અને ટૂંક સમયમાં જ યુનિવર્સિટીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. બાદમાં, યુનિવર્સિટી તંત્રે બીજાે ઈમેલ જારી કરીને જણાવ્યું હતું કે તેણે ભૂલથી સ્કોલરશિપનો મેસેજ મોકલી દીધો હતો. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષીય વિદ્યાર્થી કોર્નેલએ જણાવ્યું હતું કે સ્કોલરશિપના ઈમેલમાં લખ્યું હતું અભિનંદન. તમે સખત મહેનત કરી છે અને તમને તેનું ઇનામ આપવામાં આવે છે. આ ઈમેલ ૪ જાન્યુઆરીએ મોકલવામાં આવ્યો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે આગામી ૪ વર્ષ સુધી તેમના અભ્યાસ દરમિયાન કુલ ૩૬ લાખ રૂપિયા તેમને સ્કોલરશિપના રૂપમાં આપવામાં આવશે. કોર્નેલ અને તેના પરિવારને આ ઈમેલ વાંચીને આનંદ થયો. કોર્નેલ મોટો થઈને વકીલ બનવા માંગે છે. જાેકે, કોર્નેલ અને તેના પરિવારની આ ખુશી માત્ર બે કલાક જ ટકી. યુનિવર્સિટી પ્રશાસન તરફથી બીજાે ઈમેલ મોકલવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ મેસેજ તેમને ભૂલથી મોકલવામાં આવ્યો હતો. ઓકલેન્ડ યુનિવર્સિટીએ કહ્યું કે તેણે ૫૫૦૦ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે ભૂલથી મેસેજ મોકલી દીધો હતો. તેના બીજા ઈમેલમાં યુનિવર્સિટીએ કહ્યું કે તમે પ્લેટિનમ પ્રેસિડેન્શિયલ સ્કોલર એવોર્ડ મેળવનાર નથી. તમને ભૂલથી મેસેજ મોકલવામાં આવ્યો હતો. લાખો રૂપિયાની સ્કોલરશિપ મેળવવાની આશા રાખતા યુનિવર્સિટીના આ મેસેજથી હજારો વિદ્યાર્થીઓના દિલ તૂટી ગયા હતા. કોર્નેલની માતા ગ્વેનએ કહ્યું, ‘મારો પુત્ર ખૂબ જ દુઃખી અને નિરાશ હતો કારણ કે તેણે આ સ્કોલરશિપ માટે સખત મહેનત કરી હતી. બીજી તરફ યુનિવર્સિટીના પ્રવક્તા બ્રાયન બેરલીએ કહ્યું કે આ ભૂલ માનવીય ભૂલને કારણે થઈ છે. તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓને આ મેસેજ મળ્યો છે તેઓ આ એવોર્ડના હકદાર નથી.


