ગાંધીનગર
વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ જાણીતા ચહેરાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યું છે. જેના ભાગરૂપે આજે કમલમ ખાતે ગુજરાતી કલા જગતના ૮ જેટલા કલાકારો ભાજપમાં ભળ્યા હતા. જાણીતી ગુજરાતી અભિનેત્રી મમતા સોની, તેમજ ગુજરાતી ફિલ્મ વિટામીન-સીની એક્ટ્રેસ ભક્તિ કુંબાવત સહિતના કલાકારોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં ભાજપમાં જાેડાયા હતા. મમતા સોની, ભક્તિ કુબાવત, કામિની પટેલ, હેમાંગ દવે, હેતલભાઈ ઠક્કર, પ્રશાંત બારોટ, સની કુમાર, જ્યોતિ શર્મા અને ફાલ્ગુની રાવલ ભાજપમાં જાેડાયા છે. ૨૦૧૯માં પણ ભાજપે સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના જાણીતા કલાકારોને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા. જેમાં ભજન ગાયક હેમંત ચૌહાણ, લોક ગાયિકા સંગીતા લાબડિયા, વૉઈસ ઑફ રફી બંકિમ પાઠક અને કિંજલ દવે સહિતના કલાકારોને તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી સમયે મતદાન પૂર્વે મોટી સંખ્યામાં બંગાળી કલાકારોને પાર્ટીમાં સામેલ કરીને મોટો જુગાર ખેલ્યો હતો. જાે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ગુજરાતમાં મોટી સંખ્યામાં કલાકારોનું ભાજપમાં સામેલ થવું ચૂંટણીની દ્રષ્ટિએ ભાજપ માટે ફાયદાકારક રહેશે કે કેમ? તે જાેવું રહ્યું.
