Gujarat

છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગોને  કૃત્રિમ અવયવો  તથા  દિવ્યાંગતામાં રાહત થાય એવા સાધનોની નોંધણી કરાવી લેવા  અપીલ 

છોટાઉદેપુર
ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના સહયોગથી છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન-સહાય નોંધણી માટે દરેક તાલુકાના કોમન સિવિલ સેન્ટર,જનસેવા કેન્દ્ર પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને નોંધણી કરાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરફથી અપીલ કરવામાં આવી છે.
જેમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતાં અને વરિષ્ઠ નાગરિકોને વિવિધ સાધનો જેવા કે, વ્હીલચેર, ફોલ્ડેબલ વોકર,  સાંભળવાનું મશીન, ચશ્મા,દાંતના ચોકઠા,  ચાલવા માટેની સ્ટીક,  કમર નો, ગળાનો પટ્ટો, કાંખ ઘોળી વગેરે તથા દિવ્યાંગ વ્યક્તિઓને વ્હીલચેર, ટ્રાયસિકલ,એમ.આર.કીટ, સ્માર્ટફોન, બ્રેઈલ સ્ટીક, કૃત્રિમ હાથ-પગ, બ્રેઇલ કીટ, ટેબલેટ,કાંખ ઘોળી વગેરે જેવા સાધનો વિના મૂલ્યે મળવાપાત્ર છે. જેના માટે નોંધણી કરાવવા ઇચ્છતા વ્યક્તિએ જરૂરી આધાર પુરાવા જેવા કે, પાસપોર્ટ સાઇઝના ફોટો,આધાર કાર્ડની નકલ, જન્મનો દાખલો / ઉંમરનો પુરાવો,બીપીએલ દાખલો / આવક નો દાખલો. જો દિવ્યાંગ વ્યક્તિ હોય તો સિવિલ સર્જન દ્વારા આપેલ (ઓછામાં ઓછા ૪૦%)ધરાવતું પ્રમાણપત્ર, વગેરે પુરાવા સાથે લઈ જવાના રહેશે. કૃત્રિમ અવયવો તથા દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો મેળવવા માંગતા તમામ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય માટે નોંધણી કરવા માટે નીચે મુજબના તાલુકા દીઠ કેમ્પમાં જઇ રજીસ્ટ્રેશન કરવા આથી જણાવવામાં આવે છે.
તા. ૦૩/૦૨/૨૦૨૨ના રોજ કવાંટ તાલુકામાં મામલતદાર કચેરી, કવાંટ, તા. ૦૪/૦૨/૨૦૨૨ના રોજ બોડેલી તાલુકામાં સેવાસદન બોડેલી ખાતે, તા. ૦૭/૦૨/૨૦૨૨ના રોજ જેતપુરપાવી તાલુકામાં સેવાસદનની બાજુમાં પ્રકાશભાઇની દુકાને, તા. ૦૮/૦૨/૨૦૨૨ના રોજ નસવાડી તાલુકામાં સી.એસ.સી સેન્ટર, પોલીસ સ્ટેશનની સામે, ગ્રામ પંચાયતની બાજુમાં અકોના રોડ, નસવાડી, તા. ૦૯/૦૨/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર તાલુકામાં જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર તથા તા. ૧૦/૦૨/૨૦૨૨ના રોજ સંખેડા તાલુકામાં સેવાસદન સંખેડા ખાતે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય માટે નોંધણી કરાવી લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરફથી અનુરોધ કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *