ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા વિદેશી દારૂના વેપલા સામે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા કડક કાર્યવાહી કરવા માટે સુચનાઓ આપવામાં આવેલી હતી. જેનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના ઈન્સ્પેક્ટર જે એચ સિંધવ દ્વારા ઘણા દિવસોથી આ વિસ્તારમાં બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. પૂર્વ બાતમીના આધારે વડસર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેથી આઈસર ટ્રક ઝડપી લેવાઈ હતી. જેમાં એરંડાનાં કોથળા નીચેથી વિદેશી દારૂ-બિયરની ૩૯ પેટીઓ મળી આવી હતી. આ દરમિયાન સાંતેજ પોલીસ પણ દોડી આવી હતી. બાદમાં અહીં આવેલા ગોડાઉનમાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. અહીં વિદેશી દારૂ અને બિયરની પેટીઓ ભરેલ ગોડાઉનમાં અંદરનું દ્રશ્ય જાેઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં પોલીસે દારૂ બિયરની કુલ ૬૭૪૬ નંગ જથ્થો કિ રૂ. ૨૯ લાખ ૬૧ હજાર ૮૭૦, એક આઈસર ટ્રક, વોકસવેગન કાર, ત્રણ ટુ વ્હીલર, મોબાઈલ – ૭, રોકડા ૩૪ હજાર ૭૦૦ મળીને કુલ ૪૫ લાખ ૬૦ હજાર ૩૯૦નો મુદ્દામાલ જપ્ત કરી નીશીત યોગેશ પટેલ (રૂપલ પાર્ક, અંકુર રોડ, નારાયણપુરા) વનારામ સવારામ દેવાસી (દેસાઈ) (રહે રાજસ્થાન) અને શોબીંદસિંગ અર્જુનસિંગ (મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે જૈમીન મહેન્દ્ર પટેલ અને કિશન મારવાડી રાજપૂત નાસી ગયા હતા. આ દારૂનું ગોડાઉન જૈમીન પટેલ પાસેથી ૫૦ હજારના ભાડે કિશન મારવાડીએ રાખ્યું હતું અને અહીં મોટાપાયે વિદેશી દારૂનું ગોડાઉન બનાવી દેવાયું હતું. કિશન મારવાડી તેના ભાઈઓ સાથે વર્ષો અગાઉ લૂંટ કરતો હતો. સુરતમાં ૨૫ લાખની લૂંટ ને અંજામ આપ્યો હતો. જેનાં વિરુદ્ધ અસંખ્ય ગુના નોંધાયેલા છે. અમદાવાદમાં દારૂ ભરેલી આઇસર ટ્રક ઘુસાડવી મુશ્કેલી ભર્યું હોવાથી કિશન મારવાડીએ અહીં દારૂનું ગોડાઉન બનાવી દીધું હતું. અને અહીંથી મધરાત્રે બોલેરો ગાડીઓમાં ચાલીસ પચાસ પેટીઓ ભરીને અમદાવાદ સિટીમાં સપ્લાય કરવામાં આવતી હતી. કિશન મારવાડી અને નામચીન બુટલેગર બાબુ બીશનોઈ સમગ્ર નેટવર્ક ચલાવતા હતા અને પકડાયેલા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કટિંગનો માલ છે. કિશન મારવાડીના મારવાડી ડ્રાઈવર કલોલ વિસ્તારમાં જ ભાડેથી રહે છે. રાત પડતાં ઓર્ડર મુજબ ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ભરીને નિયત સ્થળે પહોંચાડી પણ દેતા હોય છે.
