અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટમાં સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો, ૧૦૦ ટકા ઘરને નળથી જળ, તેમજ પ્રદૂષણ અને ટ્રાફિકમુક્ત શહેર બનાવવાના સંકલ્પનો સમાવેશ થાય છે. ડ્રાફ્ટ બજેટમાં કરાયેલી કેટલીક દરખાસ્તો એવી છે જેનું કામ એક વર્ષમાં પૂરું કરવું લોઢાના ચણા ચાવવા સમાન છે. એકતરફ કોર્પોરેશન નવા રોડ બનાવવા તેની પાસે પૂરતા પૈસા નથી તેવી કબૂલાત હાઇકોર્ટમાં કરી ચૂક્યું છે ત્યારે આ સંકલ્પો અને દરખાસ્તોને વાસ્તવિક સ્વરૂપ કેવી રીતે અપાશે તેનું નક્કર આયોજન નથી. બોપલ-ઘુમા જેવા પાલિકામાં નવા ભળેલા વિસ્તારો તેમજ પૂર્વના સંખ્યાબંધ વિસ્તારોમાં ખાળકૂવા છે. એક વર્ષમાં આ ખાળકૂવા દૂર કરી ૧૦૦ ટકા ડ્રેનેજ નેટવર્ક પૂરું પાડવું શક્ય નથી. શહેરના કોટ વિસ્તારમાં આવેલી ડ્રેનેજલાઈનો અત્યંત જૂની છે તેને નવેસરથી નાખવાની કામગીરી પૈસા અને સમય માગી લે તેવી છે. આમ ટૂંકાગાળામાં ૧૦૦ ટકા ડ્રેનેજલાઈન શક્ય દેખાતી નથી. શહેરમાં કુલ ૨૫૦૦ કિલોમીટરના રોડનું નેટવર્ક છે.દર વર્ષે ચોમાસા પછી ૧૦ ટકા રોડ સાવ તૂટી જાય છે અથવા ખાડે જાય છે. બીજું ચોમાસું આવે ત્યાં સુધી આ રોડ નવા બનતા નથી કે રિસરફેર પણ થતાં નથી. ગત વર્ષે મ્યુનિ.એ ૬૬૬ રોડ નવા બનાવવાનો ટાર્ગેટ મૂક્યો હતો પણ તેની સામે માત્ર ૧૮૨ રોડ બની શક્યા હતા. ૧૦૦ ટકા વોટર નેટવર્કની વાત છે પણ આજેય શહેરના સંખ્યાબંધ વિસ્તારને બે ટાઈમ મર્યાદિત સમય માટે પાણી અપાય છે. તેમાં પણ અપૂરતું પ્રેશર અને પાણી પ્રદૂષિત આવતું હોવાની સેંકડો ફરિયાદો છે. બજેટની થીમ સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત નવું અમદાવાદ છે. પરંતુ શહેરની એક સમસ્યા ઠેરઠેર ગંદકીની છે. હાલ સંખ્યાબંધ સ્થળેથી કચરાના કન્ટેઈનર ઉઠાવી લેવાયા છે. અગાઉ ભીનો અને સૂકો કચરો જુદો પાડીને લેવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી જે હવે લગભગ બંધ થઈ ગઈ છે અને એકપણ ટન કચરો સેગ્રીગેટ થઈને આવતો નથી. ડોર-ટુ-ડોર કચરો ઉપાડવામાં પણ લોકોની રોજે રોજની સંખ્યાબંધ ફરિયાદો છે. શહેરમાં ટુ-વ્હીલરથી માટે કોમર્શિયલ વ્હીકલ સહિત કુલ ૪૫ લાખથી વધુ વાહન છે. આમાંથી પણ અંદાજે ૧૫થી ૨૦ ટકા વાહનો ૧૦ વર્ષથી વધુ જૂના છે. આ વાહનોના ઝેરી ધુમાડાથી હવા અત્યંત પ્રદૂષિત બની ગઈ છે. આ ઉપરાંત સેંકડો કન્સ્ટ્રક્શન સાઈટ પણ હવાનું પ્રદૂષણ ફેલાવે છે. આખા શહેરમાં હવા શુદ્ધ રહે તે માટેની કોઈ નક્કર સિસ્ટમ કે આયોજન નથી. અમદાવાદની સૌથી મોટી સમસ્યાઓમાંની એક ગીચ ટ્રાફિક છે. આ ઉપરાંત આડેધડ પાર્કિંગ પણ એક મોટી સમસ્યા છે. નવી પાર્કિંગ પોલિસી ઘડાઈ ગઈ છે પણ હજુ તેનો અમલ થયો નથી. વિદેશોના વિકસિત શહેરોની જેમ અમદાવાદમાં પાર્કિંગ માટે પૂરતી વ્યવસ્થા નથી. લોકો હજુ પણ પેઈડ પાર્કિંગ ટાળી રહ્યા છે. કાંકરિયા ખાતે બનાવાયેલું મલ્ટિલેવલ પાર્કિંગ આનું ઉદાહરણ છે. આ ઉપરાંત નવરંગપુરા ખાતેના પાર્કિંગમાં પણ જૂજ લોકો જ આવે છે. આ ઉપરાંત રોડ પર દબાણને કારણે વાહનો માટે રોડ સાંકડા બની જતા હોય છે ત્યારે ટ્રાફિક ફ્રી શહેર લાંબો સમય માગી લે છે.


