બ્રિટન
બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથે શનિવારે તેમના શાસનની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી કરી. શનિવારે જારી કરાયેલા એક પત્રમાં ક્વીન એલિઝાબેથે ઈંગ્લેન્ડના આગામી રાજા તરીકે તેમના પુત્ર ચાર્લ્સનું નામ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે ત્યારે તેની પત્ની કેમિલા ક્વીન કોન્સોર્ટનું બિરુદ આપવા માંગશે. એલિઝાબેથે કહ્યું કે જયારે સમય આવશે ત્યારે કેમિલાને ક્વીન કોન્સોર્ટ તરીકે ઓળખવામાં આવે. હું આશા રાખું છું કે કેમિલા તેની વફાદાર સેવા ચાલુ રાખશે. ચાર્લ્સ અને કેમિલાએ વર્ષ ૨૦૦૫માં લગ્ન કર્યા હતા. એલિઝાબેથની આ જાહેરાત કેમિલાને શાહી પરિવારના સભ્ય તરીકે અપનાવવાની મંજૂરી આપે છે. બ્રિટનના ઈતિહાસ મુજબ મહારાજાની પત્ની પોતે જ મહારાણી બને છે. આ જાહેરાત એટલા માટે પણ નોંધપાત્ર છે કારણ કે પ્રિન્સ ચાર્લ્સે અગાઉ કહ્યું હતું કે જયારે તેઓ બ્રિટનના મહારાજા બનશે ત્યારે કેમિલા પ્રિન્સેસ કોન્સોર્ટ તરીકે રહેશે, ક્વીન કોન્સોર્ટ તરીકે નહીં. વર્ષગાંઠની ઉજવણી ઈંગ્લેન્ડના પૂર્વમાં રોયલ સેન્ડ્રિંગહામ હાઉસ ખાતે કરવામાં આવી હતી. ૯૫ વર્ષીય એલિઝાબેથ બ્રિટન પર ૭૦ વર્ષ સુધી શાસન કરનાર પ્રથમ શાસક છે. તે હવે ગયા વર્ષે ઓક્ટોબર પછી હવે જાેવા મળી છે. મહારાણીના નિવેદન બાદ તે અટકળો પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં રાજગાદી છોડી શકે છે. મહારાણીએ કહ્યું કે ૬ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ મને સિંહાસન પર બેસાડવામાં આવી હતી. આજે તેની ૭૦મી વર્ષગાંઠ છે. આ દિવસે ૭૦ વર્ષ પછી પણ મને મારા પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠાનું મૃત્યુ યાદ છે. તમને જણાવી દઈએ કે આ દિવસે કિંગ જ્યોર્જનું અચાનક અવસાન થયું હતું. તે સમયે એલિઝાબેથ માત્ર ૨૫ વર્ષની હતી. એલિઝાબેથે કહ્યું કે હું ૧૯૪૭માં આપેલી પ્રતિજ્ઞાનું પુનરાવર્તન કરતાં ખુશ છું કે મારું જીવન હંમેશા તમારી સેવામાં સમર્પિત રહેશે. હું મારા હૃદયથી તમારી સેવા કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું.


