નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ભારતના ચૂંટણી પંચને રાજકીય પક્ષોનું નિયમન કરવા અને તેમને જરૂરી તર્કસંગત ઢંઢેરાના વચનો માટે જવાબદાર બનાવવાના નિર્દેશોની માગ કરવામાં આવી છે. આ અરજી અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા તેમના વકીલ અશ્વિની કુમાર દુબે દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે ચૂંટણી પંચને ચૂંટણી ઢંઢેરામાં આપેલા પાર્ટીના વચનોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જવા બદલ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન જપ્ત કરવા અને રાજકીય પક્ષોની માન્યતા રદ કરવા માટેના નિર્દેશની પણ માગ કરી છે. તેમની અરજીમાં એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કોર્ટને જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરો એક એવો દસ્તાવેજ છે, જે રાજકીય પક્ષના ઈરાદાઓ, ઉદ્દેશ્યો અને મંતવ્યોને પ્રકાશિત કરતો ઘોષણા પત્ર છે. જ્યારે કોઈ રાજકીય પક્ષ તેના ચોક્કસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ચૂંટાય છે ત્યારે ચૂંટણી ઢંઢેરાનો ઉપયોગ થાય છે. તેમણે કાયદા અને ન્યાય મંત્રાલયને રજિસ્ટર્ડ અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની કામગીરીનું નિયમન કરવા અને તેમને પોતાના ઢંઢેરાના વચનો માટે જવાબદાર બનાવવા માટે યોગ્ય પગલાં લેવા માટે નિર્દેશોની પણ માગ કરી હતી. અરજદારે કહ્યું કે લોકશાહીનો આધાર નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા છે. જાે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવે તો પ્રતિનિધિત્વની કલ્પના રદબાતલ બની જાય છે. રાજકીય પક્ષો બંધ ન બેસે તેવા મફતના વચનો આપી રહ્યા છે અને જરૂરી વચનો પૂરા કરતા નથી. અરજદારે કોર્ટને વધુ વિનંતિ કરી કે શું રાજકીય પક્ષો ખરેખર શાસન અંગે ચિંતિત છે? કે પછી તેઓ લોકશાહીમાં ચૂંટણીની રાજકીય પ્રક્રિયાને તોડી પાડવામાં માને છે. અરજદારે ધ્યાન દોર્યું હતું કે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચે રાજકીય પક્ષોની કામગીરીને નિયંત્રિત કરવા અને ઢંઢેરાનું નિયમન કરવા માટે પગલાં લીધાં નથી, તેથી નાગરિકોની એકમાત્ર આશા અદાલત છે.

