ભરૂચ
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન જુગારના ડ્રાઈવના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઈમરાનશા દીવાન વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૪૮ નંગ બોટલ મળી કુલ ૪ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપી જનાર અંકલેશ્વરના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે જ્યોતિનગર મહાદેવનગર વિસ્તારમાં ધ્રુવ પટેલ નામનો શખ્સ પોતાના મળતીયાઓ સાથે વિદેશી દારૂનો વેપલો કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૩૧ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહાદેવનગરમાં રહેતા બુટલેગર દિવ્યેશ મહેશ સોલંકીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક દરોડાની ઘટનામાં પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોકમાં રહેતી કુખ્યાત બુટલેગર દક્ષાબેન દેવેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૪ નંગ બોટલ મળી કુલ ૧૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.ભરૂચ એલસીબી પોલીસે જિલ્લાના ત્રણ અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત મહિલા બુટલેગર સહિત ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.
