4 કીલો 200 ગ્રામ ગાંજાનો જથ્થો એક મોબાઇલ ફોન મળી રૂ.42500નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જેતપુરમાંથી 4 કીલો ગાંજા સાથે રાજકોટ રૂરલ એસઓજીએ બિહારી શખ્સને દબોચી લઇ ગાંજાનો જથ્થો અને એક મોબાઇલ ફોન મળી રૂ.42500નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રેન્જ આઇજી સંદીપસિંહ, એસ.પી. બલરામ મીણાની સુચનાથી ધોરાજી સર્કલ પીઆઇ એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઇ એચ.એમ.રાણા અને હેડ કોન્સ. જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ ચાવડા, વિજયગીરી ગોસ્વામી, કોન્સ. દિલીપસિંહ જાડેજા વગેરે જેતપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યાર સાથેના એ.એસ.આઇ. વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા અને હેડ કોન્સ. અમિતભાઇ કનેરીયાને સંયુકત બાતમી મળતા જેતપુરના સામાકાંઠે, રેલવે પુલની નીચે, ભાદર નદીના પટમાં ગાંજાની હેરફેર કરાવાના ઇરાદે ઉભેલા શખ્સને દબોચી લેવાયો હતો. આરોપી સંદીપકુમાર સુદર્શન શાહ(ઉ.વ.24) પાસેથી 4 કીલો 200 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવયો હતો. અને એક મોબાઇલ ફોન પણ કબ્જે કરાયો હતો.
પોલીસે આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે ભાદરના સામાકાંઠે સરમણ પરમારના ભાડાના મકાનમાં રહે છેે. મુુળ ભભુઆ- બિહારનો વતની છે, અને યુપીથી ગાંજો લાવ્યો હતો. અહીં તે 1કીલોના રૂ. પાંચ હજારના ભાવે જથ્થાબંધ ગાંજો વેચતો હતો.
પોલીસને બાતમી મળી હતી કે, આ સંદીપકુમાર સાથે તેના ધંધાનો ભાગીદાર પણ સામેલ છે, જેથી તેની શોધખોળ પણ હાથ ધરાશે. ઉપરાંત સંદીપકુમાર કોને ગાંજો આપવા આવ્યો હતો ? તેનું નામ ખોળવા આરોપીની આકરી સરભરા થઇ રહી છે. જોકે, પોલીસે કોલ ડીટેઇલ્સના આધારે પણ તપાસ કરવા તજવીજ શરૂ કરી છે. આરોપી સામે જેતપુર સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરી વિધિવત ધરપકડ કરાઇ છે.
હરેશ ભાલીયા જેતપુર


