વડોદરા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થવાની છે, ત્યારે નારી શક્તિ સાથે સંકળાયેલી આ ઘટના ગૌરવ લેવા જેવી છે. રમતની તાલીમ એ અત્યાર સુધી બહુધા પુરુષોના આધિપત્યનું ક્ષેત્ર રહ્યું છે. ત્યારે આ જમીની હકીકત દર્શાવે છે કે આ ક્ષેત્રમાં પણ હવે પ્રવાહ પલટાઈ રહ્યો છે. નોંધનીય છે કે, આ ૮ પૈકી લગભગ ૬ મહિલા કોચ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ જેવા રાજ્યોમાં એમના મૂળ ધરાવે છે. જ્યારે માત્ર બે કોચ ગુજરાતી છે. એટલે આ ક્ષેત્રમાં ગુજરાતની દીકરીઓને પ્રોત્સાહિત કરવાની જરૂર વર્તાય છે. વિશ્વ મહિલા દિવસ આંગણે આવીને ઉભો છે. ખેલ મહાકુંભના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના પછીની પહેલી મેગા ઇવેન્ટના રૂપમાં ૨૦૨૨ના ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવે તેની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે ખેલાડીઓને તૈયાર કરી રહેલી કોચે પોતાના સંઘર્ષની વિગતો આપી હતી અને કહ્યું કે, હું ભારત વતી રમી ના શકી એનો વસવસો નિવારવા ભારતનું નામ ઉજ્જવળ કરે એવા ખેલાડી મારે ઘડવા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત વડોદરા જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રમાં વિવિધ રમતોના ૨૦ જેટલા કાયમી અને કરાર આધારિત ક્વોલિફાઇડ કોચ રાજ્ય અને દેશ માટે શ્રેષ્ઠ રમતવીરોનું ઘડતર કરવા પરિશ્રમ કરી રહ્યાં છે. જેમાં ૮ મહિલા કોચનો પણ સિંહ ફાળો છે. જેમાં ચાર જેટલી યુવતીઓ કરાર આધારિત ફિઝિયો અને ન્યુટ્રી કોચ તરીકે ખેલાડીઓને ચુસ્ત અને ઉર્જાવાન રાખવાની મહત્વની જવાબદારી સંભાળી રહી છે. વિશ્વા ધિમાં બાસ્કેટ બોલના જિલ્લા કોચ છે. એમના પિતાને ક્રિકેટર બનવું હતું પણ દાદાની બીકના કારણે ના બની શક્યા. એટલે એમણે દીકરા દીકરીઓને સ્પોર્ટ્સ કેરિયર બનાવવા પ્રોત્સાહિત કર્યાં છે. ઉત્તર પ્રદેશના સહારનપુરના વિશ્વા રમત સ્નાતક, અનુસ્નાતક અને ભારતીય રમત પ્રશિક્ષણ સંસ્થા (એન.આઇ.એસ.) નો રમત પ્રશિક્ષણ ડિપ્લોમા જેવી લાયકાતો ધરાવે છે. બાળપણથી બાસ્કેટબોલનું આકર્ષણ હતું. જાે કે, હું આ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન સાકાર ન કરી શકી એટલે હવે ગુજરાત – ભારતનું નામ રોશન કરે એવા બાસ્કેટબોલ પ્લેયર મારે ઘડવા છે. એવી વિશ્વાની લાગણી છે. તેમની પાસેથી કોચિંગ મેળવી એક છોકરો અને ચાર છોકરીઓ ઇન્ડિયા કેમ્પ માટે પસંદ થયાં છે. અને એક ખેલાડી ઇન્ટરનેશનલ સુધી પહોંચ્યો એનું એમને ગૌરવ છે. એથલેટિક કોચ સલોની રત્નેશ પ્રસાદના પિતા જમીનદાર એટલે કે મોટા ખેડૂત હતા. એમની શાળાના શિક્ષકને સલોનીમાં ખેલાડી બનવાની ક્ષમતા જણાઈ અને ૧૦ હજાર મીટરની દોડમાં ભાગ લેવડાવ્યો. એમાં વિજેતા બનતા તેઓ એથલેટિકની દિશામાં વળ્યા. તેઓ કહે છે કે મને એસ.એ.જી.ની પી.ટી. ઉષા એકેડમીમાં આદર્શ એથલીટ પી.ટી. ઉષાની સાથે કોચિંગ આપવાની તક મળી અને મેં રાજ્યના યુવાનો અને યુવતીઓને ઉમદા કોચિંગ દ્વારા જિલ્લા રમત સ્કૂલ અને એકેડેમી માં પ્રવેશને પાત્ર બનાવવાનો સંકલ્પ કર્યો. ટેનિસ કોચ વંદના પટેલને માંડ કોલેજ શિક્ષણ લેવાની છૂટ મળી. એમના ઘરમાં ખૂબ પાબંદી હતી અને રમવાની તો છૂટ જ ન હતી. ત્યારે ટેનિસ કોચ બનવાની એમની સિદ્ધિ વિરલ ગણાય. સ્વિમિંગ કોચ ક્રિષ્ણા પંડ્યાના ઘરમાં આમ તો રમતનું કોઈ વાતાવરણ ન હતું.તેમના પિતા ને નદીમાં તરવાનો શોખ હતો. એટલે નવસારીમાં પહેલો સ્વિમિંગ પુલ બન્યો ત્યારે તેમણે ક્રિષ્ણાને ત્યાં તરણની તાલીમ અપાવી.તેઓ લાઇફ ગાર્ડ કે કોચ વગર જ તરતા શીખ્યા અને આ રમતમાં નેશનલ સુધી પહોંચ્યા. આજે તેઓ સ્વિમિંગ ઉપરાંત ટ્રાયથ્લોન અને સાયકલિંગની તાલીમ આપી રહ્યાં છે. રમત વિજ્ઞાનમાં અનુસ્નાતક ક્રિષ્ણા એ એન.આઇ.એસ. પટિયાલા થી ખેલ પ્રશિક્ષણનો ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે રાજ્યકક્ષાના ૭૦થી વધુ મેડલિસ્ટ સ્વિમર તૈયાર કર્યા છે. તેમની તાલીમાર્થી રિદ્ધિ કદમ હાલમાં ટ્રાયથ્લોનમાં ઇન્ટરનેશનલ માટેના કેમ્પમાં તાલીમ માટે પસંદ થઈ છે તો તેમની તાલીમ હેઠળના ૩ દીકરીઓ અને ૨ દીકરા સ્વિમિંગમાં નેશનલ સુધી પહોંચ્યા છે. મૂળ કેરળના પ્રમિલા જેકબનો પરિવાર મધ્ય પ્રદેશમાં સ્થાયી થયો અને આજે તેઓ હોકી કોચ તરીકે ગુજરાતમાં પ્રશિક્ષણ આપી રહ્યાં છે.તેઓ કહે છે કે ૨૦૧૦ થી અત્યાર સુધીમાં ૧ હજારથી વધુ બાળકોને હોકી રમતાં શીખવ્યું છે. એન આઇ.એસ.નો ખેલ પ્રશિક્ષણ ડિપ્લોમા ધરાવતા પ્રમિલાના પિતા અને ભાઈ ફૂટબોલ તો માતા એથલેટિકના ખેલાડી હતા અને પરિવારનો આ રમત વારસો તેઓ હોકી કોચ તરીકે આગળ ધપાવી રહ્યાં છે. પ્રમિલા ઉપરાંત ઉષા નાયર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હેઠળની મોટા ફોફ્લિયા જિલ્લા કક્ષાની રમત સ્કૂલ ખાતે હોકીનું પ્રશિક્ષણ આપી રહ્યાં છે, તો પુષ્પા માલવિયા પીસ્ટલ અને રાયફલ શૂટિંગ એટલે કે નિશાનેબાજી ની તાલીમ આપી રહ્યાં છે. વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાલા કહે છે કે આ મહિલા રમત પ્રશિક્ષકો તેમના સાથી પુરુષ ખેલ પ્રશિક્ષકો જેટલા જ જાેમ અને જુસ્સા થી તાલીમ આપે છે.


