Gujarat

ઉંમર નાની પણ માનવતાના મૂલ્યો મોટા

યુક્રેનમાં વેરાવળના બે યુવાનોએ માનવતાની મહેક પ્રસરાવી
યુક્રેનના ચર્નિવિત્સી શહેરમાં લોકોના રહેવા-જમવાની વ્યવસ્થામાં મદદરૂપ થયા
રોમાનિયાની ઈન્ડિયન એમ્બસીમાં ભારતીયોની મદદ કરવા માટે સામાન્ય સ્થિતિ થયા બાદ ભારત પરત ફરવાનુ પસંદ કર્યું
વેરાવળના પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયાએ યુદ્ધની સ્થિતિમાં પણ માનવીય મુલ્યોને જાળવવા માટે ખુશ અને શુભમને બિરદાવ્યા
ખુશના પિતાએ પ્રધાનમંત્રી શ્રી મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો
સ્યો બુદે દોબરે – બધા સલામત રહે…તેવી યુ્ક્રેનની ભાષામાં કામના વ્યકત કરતાં ખુશ અને શુભમ્…
   ગિરગઢડા તા 8
  ભરત ગંગદેવ..
 યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ભારત પરત ફરેલા વેરાવળના બે યુવાનોએ માનવતાની મહેક પ્રસરાવી છે. આ યુદ્ધની પરિસ્થિતમાં દરેક લોકો યુક્રેન છોડવા માટે બેબકડા બન્યા હોય છે. પરંતુ વેરાવળનો ખુશ શાહ અને શુભમ ગદાએ યુક્રેનની પશ્ચીમમાં આવેલ ચર્નિવિત્સી શહેરમાં ભારત સહિત અન્ય દેશના લોકોની રહેવા-જમવા સહિતની વ્યવસ્થામાં ખૂબ મદદરૂપ થયા હતા. ત્યાર બાદ રોમાનિયા એમ્બસીમાં ભારતીય નાગરિકોને મદદ કરવા માટે ભારત આવવાનુ મોડુ પસંદ કર્યું હતું. ત્યારે ખુશ અને શુભમની આ સ્પિરિટને વેરાવળના પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટીયાએ બિરદાવી હતી અને યુદ્ધની સ્થિતિમાં પણ માનવીય મૂલ્યોનુ જતન કરવા માટે રૂબરૂ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ હેમખેમ પરત ફરેલા ખુશ અને શુભમ કહે છે કે, અમે યુક્રેનના પશ્ચીમ ભાગમાં આવેલ ચર્નિવિત્સી શહેરમાં હતા. આ ભાગ યુક્રેનના અન્ય વિસ્તારના સરખામણીમાં ખૂબ સુરક્ષિત હતો. યુક્રેનના કીવ, ખારકીવ સહિત અન્ય શહેરના લોકો ચર્નિવિત્સી શહેરમાં આશ્રય લેવા માટે આવી રહ્યા હતા.  જેમા ભારત સહિત અન્ય દેશના નાગરિકો પણ હતા. સ્વભાવિક રીતે લોકોમાં એક ભયનો માહોલ પણ જોવા મળતો હતો. ત્યારે અમે વધુ સુરક્ષિત વિસ્તારમાં હતા, એટલે આ વિપરિત પરિસ્થિતિમાં લોકોની મદદ કરવામાં લાગી ગયા હતા. જેમા લોકોની ભોજન સહિતની વ્યવસ્થા કરતા હતા. આમ, તા.૨૪ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી સુધી યુક્રેનમાં રહ્યા હતા. ત્યાર બાદ રોમનાયા ખાતેની ઈન્ડિયન એમ્બસી ખાતે પહોચ્યાં હતાં.
શુભમ અને ખુશ કહે છે કે, યુક્રેનના ચર્નિવિત્સીથી રોમાનીયાની બોર્ડર સુધી પહોંચવા માટે અમારી બસની આગળ ભારતનો રાષ્ટ્ર ધ્વજ લગાવી દેવામાં આવ્યો હતો. આ સાથે અમારી સુરક્ષામાં સામેલ યુક્રેન પોલીસની ગાડી પર ઈન્ડિયન ફ્લેગ લગાવી દેવામાં આવ્યો હતો. જેથી અમારી બસ સુરક્ષિત રીતે રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી હતી. જો કે, રશિયન સેના યુક્રેન સહિત  અન્ય કોઈ પણ દેશના સામાન્ય નાગરિકોને હાનિ પહોંચાડવા માગતી ન હતી તેવુ પણ અમે અનુભવ્યું.
રોમાનિયામાં ભારતીય દૂતાવાસના સાહેબો સાથે સંકલનમાં રહીને ભારતના લોકોને વતન પરત મોકલવા માટે રજીસ્ટ્રેશનથી માંડી ફ્લાઈટ માટે જે વ્યવસ્થા કરવાની હતી તેમાં મદદરૂપ બનતા હતા. ખરેખર આ સમયમાં લોકોની મદદ કરવાનું એમને ખૂબ પસંદ પડતું હતું. સાથે જ લોકોની મદદ કરવામાં એક અનેરો આનંદ આવતો હતો. અમને વહેલા ભારત જવાની તક મળતી હતી. પરંતુ ભારતીય દૂતાવાસના પિયુષ, ચેતન અને ઉદેશી સર જોડે લોકોની મદદ માટે થોડો વધુ સમય રોકાય ગયા હતા. છેલ્લે જ્યારે રોમાનિયાથી ભારત આવવા માટેની સ્થિતિ એકદમ સામાન્ય થતા ભારત પરત ફરવાનુ નક્કી કર્યું હતું.
ખુશ અને શુભમ કહે છે કે, અમે અનુભવ્યું કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતના વિદ્યાર્થીઓ- લોકોને પરત ફરવાની કામગીરી ખૂબ ઝડપથી થઈ રહી હતી. ભારતીય દૂતાવાસે પણ યુક્રેન પરત આવેલ ભારતીયો માટે રહેવા જમવા સહિતની નિ:શુલ્ક વ્યવસ્થા કરી હતી. આ સમયે રોમાનિયા અને યુક્રેન ઠંડીનો પણ એટલો જ પ્રકોપ હતો. ત્યારે લોકો માટે ચાદર-ગરમ કપડાની વ્યવસ્થા પણ કરવામાં હતી. આ સાથે યુક્રેનથી  ભારત પરત ફરવા માટે લોકોને ટિકિટનો ખર્ચ પણ કરવો પડ્યો નથી. એટેલ વિનામૂલ્યે ભારત સરકારે લોકોને સુરક્ષિત વતન પરત પહોંચાડ્યા છે.  ભારતીય લોકો યુક્રેનથી  રોમાનિયા, પોલેન્ડ, માલડોવા અને હંગેરી સરહદેથી પરત ફરી રહ્યા છે. આ સાથે સ્યો બુદે દોબરે- બધા સલામત રહે… તેવી યુક્રેની ભાષામાં કામના વ્યક્ત કરી હતી.
ખુશના પિતા  ઉદયભાઈ શાહે યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટેના ઓપરેશન ગંગા ચલાવવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદી અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. વેરાવળના ખુશ ઉદયભાઈ શાહ અને શુભમ પ્રકાશભાઈ ગદા યુક્રેનના ચર્નિવિત્સી શહેરમાં એમ.બી.બી.એસ. ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા

IMG-20220307-WA0596.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *