પાલનપુર
પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલના હસ્તે લાડલી ગિફ્ટ યોજનામાં પાંચ દિકરીઓને રૂ. ૨૫- ૨૫ હજારની ફિક્સ ડીપોઝીટની ભેટ આપવામાં આવી હતી. ડૉ. વિક્રમભાઈ એમ. મહેતા મિત્ર વર્તુળ- પરિવાર, મુંબઈના અનુદાનિત ફંડમાંથી છેલ્લાં દશ વર્ષથી નિયમિત પાંચ શ્રેષ્ઠ દિકરીઓને લાડલી ગીફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ પાંચ દિકરીઓને અધિક કલેકટરના હસ્તે વ્યક્તિગત રૂ. ૨૫ હાજર ની લાડલી ગિફ્ટની ફિક્સ ડિપોઝીટ અપાઇ હતી તથા સેવા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બનાસના બે નારી રત્નો ર્ડા. શ્રીયાબેન ઠક્કર, ડીસા અને જાગૃતિબેન મહેતા, પાલનપુરનું સન્માન કરવામાં આવ્યુ હતુ. છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓના સર્વાગી વિકાસ અને સશક્તિકરણ માટે સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો સહિતના વિવિધ લોક જાગૃતિના અભિયાનો ચલાવવામાં આવે છે તેની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સરસ કામગીરી કરવામાં આવે છે જેના પરિણામે સ્ત્રી-પુરૂષ વચ્ચેનો સેક્સ રેશિયો ઘટ્યો છે અને સ્ત્રીઓની સંખ્યામાં વધારો થયો છે. અંતરીયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતી મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને તેમના પરિવારને લાભ મળે તે માટે કામ કરતી સંસ્થા અને દાતાશ્રીઓને અભિનંદન પાઠવી દાતાશ્રીઓ પણ આવા સેવાકાર્યોમાં ઉદાર હાથે ફાળો આપે છે તેની સરાહના કરી હતી. છેલ્લા ૧૫ વર્ષથી દાતાઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. છેલ્લા દશ વર્ષથી શરૂ કરવામાં આવેલ લાડલી ગિફ્ટ યોજનામાં આજ સુધીમાં ૫૦ જરૂરીયાતમંદ દિકરીઓને ફિક્સ ડિપોઝીટનો લાભ આપવામાં આવ્યો છે. ૧૫ જેટલી રમકડા બેંક કાર્યરત છે. યાત્રાધામ અંબાજીથી શરૂ કરાયેલ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટની સુવાસ સરહદી વિસ્તાર નડાબેટ સુધી ફેલાઇ છે. માસુમ ફુલની કળી જેવી નવજાત ત્યજી દેવાયેલ દત્તક દિકરીઓ જેના માતા-પિતા કોઇ ગંભીર બિમારીથી પિડાતા હોય, અશક્ત, દિવ્યાંગ હોય અથવા જેના માતા-પિતાનું આકસ્મિક અવસાન થયું હોય તેવી એકથી પાંચ વર્ષની દિકરીઓના જીવનમાં ઉજાસ પાથરવા મુંબઇ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. દાતાઓની ઉમદા ભાવના મુજબ લાડલી ગિફ્ટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તે દિકરીઓનું તેમના પરિવારમાં લક્ષ્મીરૂપે સન્માન થાય તેમજ રૂ. ૨૫ હાજરની રકમ તે દિકરીઓના નામે ફિક્સ ડિપોઝીટ મુકવાથી ૧૮ વર્ષની થાય ત્યાં સુધીમાં મળનારી આ રકમનો ઉપયોગ દિકરીઓના ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ કે દિકરીના આરોગ્યને લગતો કોઇ ખર્ચ કરવાનો થાય તે માટે આ લાડલી ગિફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નના આયોજન માટે રાકેશભાઇ ડાંગીયા અને સાગર પુરબીયાને રૂ.૧૧ હાજર નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો તથા ભાભર માનવતા ગ્રુપના સભ્યોનું સન્માન કરાયું તેમને પણ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટના શુભારંભ માટે રૂ.૧૧ હાજર નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.


