અમદાવાદ
કોરોનાના કારણે શિક્ષણ પર માઠી અસર થઈ હતી. આ સમયગાળામાં સતત બે વર્ષ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ચાલી રહ્યો હતો. પરીક્ષાઓ પણ બંને મોડમાં લેવાઈ હતી. આ સમય એવો હતો કે ત્યારે કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો હતો. પરંતુ હવે કોરોનાના કેસો ખૂબ જ ઓછા થઈ જતાં ગુજરાત યુનિવર્સિટીના સેમેસ્ટર-૧ ની પરીક્ષા ઓફલાઈન યોજાઈ રહી છે.જેમાં ૪૫ હજાર વિદ્યાર્થીઓ બે વર્ષ બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં ઓફલાઈન પરીક્ષા આપી રહ્યા છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટી સેમેસ્ટર ૧ના વિદ્યાર્થીઓએ ઓનલાઇન વિકલ્પ પસંદ કર્યો હતો તેમની પરીક્ષા ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. જે પૂર્ણ થતા હવે ઓફલાઇન વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થઇ છે. બીએ,બીકોમ,બીસીએ,બીબીએ,બીએસસી,બીઇડી સહિતની વિદ્યાશાખાના ૪૫ હજાર વિદ્યાર્થીઓને આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઇ છે.પરીક્ષામાં ગેરરીતિ ના થાય તે માટે દરેક કેન્દ્રો પર એક નિરીક્ષક ગુજરાત યુનિવર્સિટીએ મુક્યા છે. અમદાવાદ અને ગાંધીનગરના ૧૦૦ કરતા વધુ કેન્દ્રો પર આજથી ઓફલાઇન પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષા સામાન્ય વર્ષ કરતા ૨ મહિના મોડા યોજાઈ રહી છે. ડિસેમ્બર અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષા યોજાતી હતી. જે કોરોનાને કારણે માર્ચ મહિનામાં યોજાઈ રહી છે. જાેકે હવે સ્થિતિ સામાન્ય થતા પરીક્ષાઓ ખૂબ જ ઝડપથી લેવામાં આવશે અને સત્ર પૂરું કરવામાં આવશે.
