યુક્રેન
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શાંતિ મંત્રણાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેન રશિયા સાથે ડીલ માટે તૈયાર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે અમે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત માટે તૈયાર છીએ. રશિયા દ્વારા યુક્રેન પર હુમલો ચાલુ છે. રશિયન સેના સતત યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહી છે. રશિયન હુમલાથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. પરંતુ યુક્રેનની સેના હાર માની લેવા તૈયાર નથી. યુક્રેનની સેના મક્કમતાથી રશિયન સૈનિકોનો સામનો કરી રહી છે. બંને દેશો વચ્ચેનું આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ યુદ્ધમાં રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે ૨૦ માર્ચ સુધી ૧૪,૭૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય મંત્રાલયે કહ્યું કે આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના ઘણા હથિયારો નષ્ટ થઈ ચૂક્યા છે. ૧૧૮ રશિયન હેલિકોપ્ટર, ૯૬ એરક્રાફ્ટ અને ૪૭૬ ટેન્ક સહિત ઘણા હથિયારોનો નાશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે વાતચીતના ઘણા રાઉન્ડ થયા છે, પરંતુ યુદ્ધવિરામને લઈને કોઈ નક્કર ઉકેલ મળી શક્યો નથી. સંયુક્ત રાષ્ટ્રના એક અંદાજ મુજબ, યુક્રેનમાં યુદ્ધને કારણે અત્યાર સુધીમાં ૬૫ લાખથી વધુ લોકો દેશ છોડી ચૂક્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા સાથે વિલંબ કર્યા વિના શાંતિ અને સુરક્ષા વાટાઘાટોની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે રશિયા પાસે પોતાની ભૂલોથી થતા નુકસાનને મર્યાદિત કરવાની આ એકમાત્ર તક છે. યુક્રેનના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહેલા રશિયન પ્રતિનિધિ મંડળના વડાએ કહ્યું કે બંને પક્ષો યુક્રેનની તટસ્થ સ્થિતિ અંગેના કરારની નજીક છે. રશિયન પ્રતિનિધિમંડળના અધ્યક્ષ શુક્રવારે કહ્યું હતું કે યુક્રેન સાથે નાટોમાં જાેડાવાના અને તટસ્થ વલણ અપનાવવાના યુક્રેનના પ્રયાસ અંગેના મતભેદોને દૂર કરવા બંને પક્ષો નજીક જઈ રહ્યા છે. બ્રિટિશ વડાપ્રધાનનું કહેવું છે કે તેમણે યુક્રેનમાં રશિયાના વિશેષ લશ્કરી ઓપરેશન વચ્ચે ઝેલેન્સકી અને તેમના પરિવારને બ્રિટનમાં આશ્રય આપવાની ઓફર કરી છે. તેમણે સન્ડે ટાઈમ્સને કહ્યું કે ઝેલેન્સકી તેની સાથે નિયમિત વાતચીત કરે છે અને તે ખૂબ જ સારો વ્યક્તિ છે અને તે એક પ્રેરણા પણ સાબિત થયો છે.
