Gujarat

આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે ચાલો સાવરકુંડલા શહેરના નગરજનો સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે જળનો બિનજરૂરી બગાડ નહીં કરીએ.. ખપપૂરતું કસરકસરયુકત જળ જીવન શૈલી અપનાવીને જળને ભાવિપેઢી માટે સંચિત કરીએ. વરસાદના વહેતા પાણીથી ભૂગર્ભ રીચાર્જ કરીએ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો આજે વર્લ્ડ વોટર ડે છે. આમ પણ જળ એ જ જીવન છે. ભારતીય સંસ્કૃતિમાં તો જળનું અનેરું સ્થાન છે. ભારતીય સંસ્કૃતિમાં પાંચ મૂળભૂત તત્ત્વોનો અનેરો મહિમા છે. જળ, વાયુ, અગ્નિ, આકાશ, અને માટી અથવા જમીન. આપણી સંસ્કૃતિ તો આપણાં શરીરનું નિર્માણ પણ આ પંચમહાભૂતોમાંથી જ થયું છે તેમ સ્પષ્ટપણે માને છે. હા, જળ એ જ જીવન છે. આમ પણ આ ધરાતલ પર ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં પૃથ્વી છે. વળી આપણાં શરીરમાં પણ સૌથી વધુ પ્રમાણ તો જળનું જ હોય છે. ઘણીવખત શરીરને પર્યાપ્ત માત્રામાં જળ ન મળવાથી માનવી  ડિહાઇડ્રેશનનો શિકાર પણ બનતો જોવા મળે છે. આપણે તો શુધ્ધ જળથી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરીએ છીએ.. આમ ગણીએ તો જળ એટલે એચ.ટુ.ઓ. એટલે કે બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્સિજન આનું સંમિશ્રણ એટલે જ જળ.. એટલે જ જ્યારે જંગલોમાં આગ લાગે ત્યારે તે વધુ ન ફેલાય એટલા માટે સામે આગ લગાવવામાં આવે છે. જેથી આગ આગને ઓલવી શકે. જો કે આગ બુઝાવવા માટે પણ ભરપૂર જળની જરૂર પડે છે. હવે જળ  એ શું છે એ તો કોઈ તૃષાતુર વ્યક્તિને પૂછીએ તો જ ખ્યાલ આવે. હા, ગત મે માસમાં તારીખ ૧૭ મેની રાતે આવેલ તોકતે વાવાઝોડાની ઝપેટમાં આવેલાં
સાવરકુંડલાવાસીઓને ખૂબ સારી રીતે જળનું મહત્વ ખબર હોય એમાં બે મત નથી. કારણ કે વાવાઝોડાની પશ્ર્ચાત અસરમાં એ વિદ્યુત વગર પાણી નહીં મળવાથી પાણીની કિંમત શું કહેવાય એ પણ લોકોને યાદ છે. એક એક પાણીનાં ટીપાં માટે દરબદર ભટકતાં એ ચાર પાંચ દિવસો તો એક દુઃસ્વપ્ન સમાન હતાં. પાણીનું મૂલ્ય પણ શું કહેવાય એ લોકોએ આ સમય દરમિયાન તો બરાબર જાણ્યું.. આમ જળ એ જ જીવન છે. દિનપ્રતિદિન જળ સપાટી ઊંડી થતી જાય છે. કદાચ આવતું યુધ્ધ પાણી માટે જ લડાઈ નહીં તો નવાઈ નહી પામતાં.. આજથી આ વિશ્ર્વ જળ દિવસ નિમિત્તે સાથે મળીને સંકલ્પ લઈએ કે હું પાણીનો જરાપણ બિનજરૂરી બગાડ નહીં કરું અને કરકસર પૂર્વક તેનો ઉપયોગ કરીશ. ગંદા પાણીને પણ રિસાયક્લિંગ કરીને જીવનના અન્ય ક્ષેત્રમાં એ પાણીનો સદુપયોગ કરીશ. પાણીનો દુરુપયોગ નહીં કરું કે કોઈને કોઈપણ સંજોગોમાં દુરુપયોગ કરવા પણ નહીં દઉં. આ સંકલ્પ જ આ વિશ્ર્વ જળ દિવસની સાચી ઉજવણી ગણાય. વરસાદમાં વહેતું બિનજરૂરી પાણીને ભૂગર્ભ ટાંકા દ્વારા જમીનમાં ઉતારી રીચાર્જ કરીએ. નાના નાનાં ચેકડેમ દ્વારા જમીનમાં પાણીને સંચિત કરીએ. બસ એ જ જળની કથા અને વ્યથા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *