નવીદિલ્હી
સ્વિસ ઓપન સુપર ૩૦૦ બેડમિન્ટનએ ભારતના ટોચના શટલરો માટે સારી શરૂઆત કરી છે. મહિલા સિંગલ્સથી લઈને પુરૂષ સિંગલ્સ અને ડબલ્સ સુધી, ભારતના અગ્રણી ખેલાડીઓએ પોતપોતાના પ્રથમ રાઉન્ડની મેચો જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. બુધવાર ૨૩ માર્ચે બેસેલમાં શરૂ થયેલી ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે સાતમા સ્થાને ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત અને સાયના નેહવાલે પુરૂષ અને મહિલા સિંગલ્સમાં જીત સાથે શરૂઆત કરી હતી. મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીએ ૩ દિવસ પહેલા ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતનાર મોહમ્મદ શોહિબુલ ફિકરી અને બગાસ મૌલાનાને હરાવીને મજબૂત શરૂઆત કરી હતી. પુરૂષ સિંગલ્સમાં ભારતના અગ્રણી ખેલાડીઓમાંના એક બી સાઈ પ્રણીતને હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે અન્ય અનુભવી ભારતીય ખેલાડી એચએસ પ્રણયનો સામનો કર્યો હતો. બંને વચ્ચે જાેરદાર મુકાબલો થયો અને પ્રણોયે ૨૫-૨૩, ૨૧-૧૭ થી જીત મેળવી. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ભારતના ટોચના ક્રમાંકિત શ્રીકાંતે ડેનમાર્કના મેડ્સ ક્રિસ્ટોફરસનને સીધી ગેમમાં હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેણે ડેનિશ હરીફને ૨૧-૧૬, ૨૧-૧૭ થી હરાવ્યો હતો. તેના સિવાય પારુપલ્લી કશ્યપે પણ સારી શરૂઆત કરી અને ફ્રાન્સના ઈનોગત રોયને ૨૧-૧૭, ૨૧-૯ થી હરાવ્યો. મહિલા સિંગલ્સમાં ભારતની સૌથી વધુ આશા બીજા ક્રમાંકિત પીવી સિંધુ પર છે, પરંતુ તેની મેચ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે યોજાવાની હતી. તેમના સિવાય અનુભવી ખેલાડી સાઈના નેહવાલ પર પણ મોટી જવાબદારી હતી અને તેણે સારી શરૂઆત કરી હતી. લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈનાએ ફ્રેન્ચ ખેલાડી યેલે હોયાઉને ૨૧-૮, ૨૧-૧૩થી હરાવ્યો હતો. તેના સિવાય અશ્મિતા ચલિહાએ સિંગલ્સમાં ફ્રાન્સની લિયોનીસ હ્યુટને ૧૯-૨૧, ૨૧-૧૦, ૨૧-૧૧ થી હરાવ્યો હતો. બીજી તરફ માલવિકા બંસોડને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે સૈયદ મોદી ઈન્ટરનેશનલની ફાઇનલમાં પહોંચેલી ૨૦ વર્ષની માલવિકાને ફ્રાન્સની ક્વિ ઝુફેઈએ ૨૧-૧૬, ૨૧-૧૭થી હાર આપી હતી. ભારતીય શટલરોમાં શ્રેષ્ઠ પરિણામ પુરુષોની ડબલ્સમાં આવ્યું, જ્યાં ત્રીજી ક્રમાંકિત ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ઈન્ડોનેશિયાના મોહમ્મદ શોહિબુલ ફિકરી અને બાગાસ એમને ૧૭-૨૧, ૨૧-૧૧, ૨૧-૧૮ થી હરાવ્યા. ઈન્ડોનેશિયાની જાેડીએ માત્ર ત્રણ દિવસ પહેલા જ બર્મિંગહામમાં પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ સપ્તાહ ઓલ ઈંગ્લેન્ડ સુપર ૧૦૦૦ ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ, મિક્સ્ડ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને સુમિત રેડ્ડી પ્રથમ મેચ હારી ગયા હતા. જ્યારે ત્રિસા જાેલી અને ગાયત્રી ગોપીચંદને મહિલા ડબલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જાેડી ઓલ ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય જાેડી બની હતી.


