*પાલનપુર વિદ્યામંદિર કેમ્પસમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી*
બનાસકાંઠા જિલ્લામાં શાંત માહોલમાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુર ખાતે વિદ્યામંદિર કેમ્પસમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ વિદ્યાર્થીઓને આવકારી, મોં મીઠુ કરાવી, ગુલાબનું ફૂલ આપીને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-૧૦ માં ૬૩ કેન્દ્રો ખાતે ૫૩,૯૬૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૧૭૪ પરીક્ષા બિલ્ડિંગોમાં ૧૮૬૯ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૩૪ પરીક્ષા કેન્દ્રોમાં ૨૬,૨૪૨ વિદ્યાર્થીઓ માટે ૮૪ બિલ્ડિંગોમાં ૭૫૬ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ પાંચ (૫) કેન્દ્રો ખાતે ૪,૩૭૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે માટે ૧૭ પરીક્ષા બિલ્ડિંગ અને ૨૨૩ બ્લોક નક્કી કરાયા છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ, સરસ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે રાજય પરીક્ષા બોર્ડ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. તેમણે પરીક્ષાર્થીઓને ટેન્શન વિના ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કરવા જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે વિધાર્થીઓને કોઇ મુશ્કેલી જણાય તો કાઉન્સેલર અને હેલ્પ સેન્ટરની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તેના પર ફોન કરીને માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.
વિદ્યાર્થીઓની હેલ્પ માટે કંન્ટ્રોલ રૂમની વ્યવસ્થા
બોર્ડની આ પરીક્ષા દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જોરાવર પેલેસ, કિચન બ્લોક, જિ. બનાસકાંઠા, પાલનપુર ખાતે કંટ્રોલરૂમ સવારના ૦૭:૦૦ કલાકથી રાત્રિના ૨૦:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. જેનો ફોન નં.- ૦૨૭૪૨-૨૫૭૦૫૫ છે.
પાલનપુર વિદ્યામંદિર કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓના સ્વાગત અને શુભેચ્છા આપવાના પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, શ્રી નૈનેશભાઇ દવે, શાળાના આચાર્યશ્રી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિરત રહ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


