વલસાડ
વલસાડના ધરમપુર રોડ ઉપર રખડતા પશુઓએ લોકોને પરેશાન કરી મૂક્યા છે. સ્થાનિક લોકોએ વારંવાર રખડતા પશુધનને પાંજરે પુરવા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતાં એક ભેંસ અકસ્માતનો શિકાર બની હતી. વલસાડ-ધરમપુર રોડ ઉપર ધરાનાગર પાસે પસાર થતી વલસાડ-ધરમપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ એસટી બસ નં. જીજે-૧૮-ઝેડ-૨૬૧૦ યાત્રીઓને લઈને પસાર થઈ રહી હતી. જે દરમિયાન બસની આગળ અચાનક એક ભેંસ દોડતી આવી ગઈ હતી. બસના ચાલકે બસને અટકાવી ભેંસને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસની અડફેટે ભેંસ આવી જતા ભેંસ બેભાન થઈ હતી. અકસ્માતને લઈને રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ પશુ સ્થાનિક પશુપાલકો અને અગ્નિવીર ગૌરક્ષક દળની ટીમને કરી હતી. અગ્નિવીર ગૌરક્ષક દળની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પશુ હેલ્પલાઇન નંબરના તબીબોની મદદ મેળવી ભેંસની તપાસ કરાવી હતી. ઇજાગ્રસ્ત ભેંસને નજીકના પશુ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ધરમપુર રોડ ઉપર જામ થયેલો ટ્રાફિક સીટી પોલીસના જવાનોએ વાહન વ્યવહાર સામાન્ય કર્યો હતો.વલસાડ ધરમપુર રોડ ઉપર રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી ગયો છે. ધરમપુર રોડ ઉપરથી પસાર થતાં વલસાડ ધરમપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ બસની આગળ અચાનક એક ભેંસ દોડી આવતા બસની ટક્કરે ભેંસ ઇજાગ્રસ્ત થઈ બેભાન થઈ હતી.
