Gujarat

જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ

હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમય મર્યાદામાં પુર્ણ થાય તે જોવા સૂચન કરતા મંત્રીશ્રી

 

રસ્તા, સિંચાઈ, પાણી વગેરેને લગતા પડતર કામો ચોમાસા પહેલા પુર્ણ થાય તે જરૂરી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ

 

જામનગર તા.7 એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરવા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજી હતી.

 

આ બેઠકમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ થાય તે જોવા સૂચન કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઉપલબ્ધ બજેટનો જરૂરિયાતવાળા કામોમાં ઉપયોગ થાય, સરકારની યોજનાઓ તેના લક્ષ્યાંકો તથા વિકાસ કામો ઝડપભેર પુર્ણ થાય તેમજ લોકહિતના કામો ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી છે અને તે મુજબ કામગીરી હાથ ધરવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.

 

મંત્રીશ્રીએ સુજલામ-સુફલામ સહિતની સિંચાઇ યોજનાઓ તથા માર્ગ-મકાનના કામોની જિલ્લામાં પૂર્ણ અમલવારી થાય તેમજ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રસ્તાઓ, કોઝ વે તથા ચેકડેમ સહિતના આનુસંગિક કામો ચોમાસા પહેલા પુર્ણ કરવા પણ સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ બેઠકમાં જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, વીજળી, માર્ગ, આરોગ્ય સહિતની બાબતોમાં હકારાત્મક વલણ કેળવી આ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્વરે કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું અને મુશ્કેલ જણાતા પ્રશ્નો પરત્વે મંત્રીશ્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉમેર્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત, પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, મેહસુલ વિભાગ, પુરવઠા વિભાગ સહિતના વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ કામો અંગેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

 

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહીર પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી એમ.પી.પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી રાયજાદા તેમજ જિલ્લા સંકલન સમિતીના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000000

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *