માતા-પિતાનું અવસાન થયેથી અથવા પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કરેલ હોવાથી અનાથ થયેલ બાળકોની સાર-સંભાળ રાખવા અને યોગ્ય ઉછેર માટે પરિવાર ઉપર આફત આવી પડે છે તેમજ અનાથ થયેલ બાળક પણ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ હોવાથી એકલતા અનુભવે છે અને માનસિક રીતે પડી ભાંગે છે. આવા બાળકોની સારસંભાળ રાખવા અને યોગ્ય રીતે ઉછેર થાય તે હેતુથી તેની સંભાળ રાખતા પાલક માતાપિતા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગની પાલક માતા-પિતા યોજના આશિર્વાદરૂપ બની છે.
આ યોજનામાં ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી તેમજ જે બાળકના પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાને પુનઃલગ્ન કરેલ હોય તેવા બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ. ૩,000/- સહાય પેટે ચુકવવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૩૪ બાળકોની સહાય મંજુર કરવામાં આવેલ છે અને યોજનાની ! શરૂઆતથી કુલ-૭૨૦ બાળકોની સહાય મંજુર કરવામાં આવેલ છે. જેઓને વર્ષ ૨૦૨૧-૨૨ માં કુલ ૨૧૫.૧૬ લાખની સહાય ચુકવવામાં આવી હતી.
યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ (૧) બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક (૨) પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૭,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂ. ૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતદાર/તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે. (૩) બાળક અને પાલક માતાપિતાના સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ (૪) બાળકના આધારકાર્ડની નકલ (૫) પાલક માતાપિતાના રેશનકાર્ડની પ્રમાણિત નકલ (૬) બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્રની નકલ (૭) પાલક માતા/પિતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક (૮) બાળકના માતા-પિતાના મરણના દાખલા (૯) જે કિસ્સામાં બાળકના પિતાના મરણ બાદ માતાએ પુન:લગ્ન કરેલ હોય તો પુનઃલગ્ન કર્યાનો દાખલો.
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પત્રક જિલ્લા બાળ સુરક્ષા એકમ, છોટાઉદેપુરમાંથી નિ:શુલ્ક મેળવી, ફોર્મ ભરી રજૂ કરવાનું રહેશે અથવા https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે એમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદી દ્વારા જણાવાયુ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
