Maharashtra

હેજિંગ અને ટ્રેડિંગ કરવા માટે સોનાના મિની ઓપ્શન્સની નવતર શરૂઆત

કોમોડિટીની પાઠશાળા

નૈમિષ ત્રિવેદી

 

આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય કોમોડિટી વાયદા બજાર વર્ષ 2003થી કાર્યરત છે, જેમાં અલગ-અલગ કોમોડિટીના વાયદાના વેપાર ખૂબ જ તરલતાપૂર્વક અને સરળતાથી થઈ રહ્યા છે. વર્ષ 2017માં સેબી દ્વારા કોમોડિટી વાયદાના ઓપ્શન્સને પણ કામકાજ માટે મંજૂરી આપવામાં આવી અને દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ દ્વારા 17 ઓક્ટોબર 2017ના રોજ ધનતેરસના શુભ દિવસે સોનાના વાયદા પરના વિકલ્પ (ઓપ્શન્સ ઓન ફ્યૂચર્સ) દ્વારા ઓપ્શન્સનો શુભપ્રારંભ થયો. ત્યારબાદ અન્ય કોમોડિટીઝના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ પણ શરૂ કરવામાં આવ્યા અને ધીમે-ધીમે ઓપ્શન્સમાં બજારના સહભાગીઓનના રસ, રૂચિ અને ભાગીદારી વધતા જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ ઉપરાંત ચાંદીમાં મિની ઓપ્શન્સમાં વેપારીઓનો વિશેષ ઈન્ટરેસ્ટ જોવા મળ્યો છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને એક્સચેન્જ દ્વારા વધુ એક કોમોડિટીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સની શરૂઆત થવા જઈ રહી છે.

હા, મિત્રો, એમસીએક્સ દ્વારા આગામી 25 એપ્રિલ, 2022ને સોમવારથી ગોલ્ડ-મિનીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તો આવો, આજે આપણે આ સોનું-મિનીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ વિશેની જાણકારી અને તેનો ઉપયોગ હેજિંગ અને ટ્રેડિંગ માટે કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી મેળવીએ.

ઓપ્શન ઓન ફ્યૂચર્સ

સૌપ્રથમ આપણે એ જાણીએ કે એમસીએક્સ ગોલ્ડ-મિનીના ઓપ્શન્સ એ ‘ઓપ્શન ઓન ફ્યૂચર્સ’ છે એટલે કે ઓપ્શન કોન્ટ્રેક્ટની પાકતી તારીખે આપની પોઝિશન જો નફામાં હોય તો તેને વાયદાની પોઝિશનમાં ડિવોલ્વ (રૂપાંતર) કરી દેવામાં આવે છે. આનો બીજો મતલબ એ પણ થઈ શકે કે, આમાં કોઈ ફિઝીકલ ડિલિવરીની લેવડ-દેવડ કરવાની રહેતી નથી. ઓપ્શન્સ ટ્રેડર્સ માટે આ એક બહુ મોટું કારણ બની રહેશે, કેમ કે તેમને ઓપ્શન્સની પોઝિશન હેજ કરવા માટે વાયદાની મદદ મળી રહેશે અથવા બીજી રીતે કહીએ તો હેજર્સ વાયદા અને ઓપ્શનમાં અરસ-પરસ પોઝિશન ઓફસેટ કરી શકશે.

નાની લોટ સાઈઝ

એમસીએક્સ સોનું-મિનીના વાયદા કરાર (ગોલ્ડ-મિની ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ) ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે અને ખૂબ જ ઊંચી તરલતા ધરાવે છે. આનું મુખ્ય કારણ તેની લોટ સાઈઝ (કે જે ફક્ત 100 ગ્રામની છે) હોઈ શકે છે. સોનું-મિની ઓપ્શન્સની લોટ સાઈઝ પણ 100 ગ્રામની જ રાખવામાં આવી છે, એટલે કે જેટલી વાયદાની લોટ સાઈઝ છે એટલી જ નાની લોટ સાઈઝ સોનું-મિની ઓપ્શન્સની રાખવામાં આવી છે. જેના પરિણામે નાના જ્વેલર્સ અથવા રિટેલ રોકાણકારો ઉપરાંત ઈન્ટ્રા-ડે ટ્રેડર્સ અને ડેલ્ટા હેજર્સ પણ આનો સરળતાથી ઉપયોગ કરી શકે છે.

ઓછા માર્જિનની જરૂરિયાત

અત્યારે જ્યારે પીક માર્જિનનાં નિયમો લાગૂ પાડવામાં આવ્યા છે, ત્યારે બજારના સહભાગીઓ હંમેશા ઓછા માર્જિનવાળી પ્રોડક્ટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. જેમ ઉપર જણાવ્યું એ મુજબ ગોલ્ડ-મિનીના ઓપ્શનની સાઈઝ નાની હોવાને લીધે તેમાં માર્જિનની જરૂરિયાત ખૂબ જ નજીવી રહે છે.

દા.ત. ગોલ્ડ-મિનીનો વાયદાનો ભાવ રૂ.52,400 ચાલતો હોય તો રૂ.53,000ના કોલ ઓપ્શનનું પ્રીમિયમ લગભગ રૂ.600 હોઈ શકે છે, એટલે કે કોઈને 1 લોટ મિની ઓપ્શનનનો કોલ ખરીદવો હોય તો ફક્ત રૂ.6,000 (10 ગ્રામદીઠ રૂ.600નું પ્રીમિયમ અને 100 ગ્રામના લોટ સાઈઝની ગણતરી માટે 10થી ગુણીએ)ની ચુકવણી કરીને રૂ.53,000નો કોલ ઓપ્શન ખરીદી શકાય છે.

એવી જ રીતે રૂ.52,000ની મંદીનો ભાવ જો રૂ.570 હોય તો ફક્ત રૂ.5,700 (રૂ.570ને 10 વડે ગુણીએ) ભરીને રૂ.52,000ની મંદીનો સોદો કરી શકાય છે.

અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ઓપ્શન ખરીદનાર (કોલ અથવા પુટ બંને)ને ફક્ત પ્રીમિયમની ચુકવણી કરવી હોય છે, જે માર્જિનથી લગભગ દસમા ભાગનું હોય છે.

ટૂંકમાં કહીએ તો ઓછા રૂપિયામાં વધુ વળતર ગોલ્ડ-મિનીના ઓપ્શન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, કેમ કે ઓપ્શન્સમાં ફક્ત પ્રીમિયમનું રોકાણ કરીને પોઝિસન લઈ શકાય છે.

ઓછો ખર્ચ

ઓપ્શનના માધ્યમથી વેપાર કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વેપાર કરવાનો ખર્ચ ખૂબ જ ઓછો લાગતો હોય છે. એનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં સીટીટી ફક્ત પ્રીમિયમના ટર્નઓવર પર જ લાગતી હોય છે, જે ખૂબ જ ઓછું મૂલ્ય ધરાવતું હોય છે. આમ, વાયદાની સરખામણીમાં ઓપ્શનમાં ખર્ચ નીચો હોવાને કારણે ઘણા ટ્રેડર્સ ઓપ્શન્સમાં કામ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. એવું કહેવાય છે કે જેટલી બચત એટલી કમાણી. તમે પણ ગોલ્ડ-મિનીના ઓપ્શન્સ દ્વારા તમારી હેજિંગ કોસ્ટને નીચી લાવી શકો છો.

મન્થલી એક્સપાયરી

ઓપ્શન્સના વેપારમાં સમય ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ઓપ્શન્સના પ્રીમિયમ ટાઈમ વેલ્યૂ ઉપર ખૂબ જ નિર્ભર રહેતા હોય છે. જેમ સમય વધુ એમ જોખમ વધુ અને એટલે તેનું પ્રીમિયમ પણ વધુ રહેતું હોય છે અને એનાથી વિપરીત જેમ સમય ઓછો તેમ જોખમ ઓછું અને એટલે તેનું પ્રીમિયમ પણ ઓછું રહેતું હોય છે.

એમસીએક્સના ગોલ્ડ-મિનીના ઓપ્શન્સ મન્થલી એક્સપાયર થશે, એટલે કે એમાં દર મહિને એક્સપાયરી આવશે. મોટા ગોલ્ડ (સોનું-1 કિલો)ની એક્સપાયરી દર બે મહિને હતી પણ મિની ગોલ્ડના ઓપ્શન્સની એક્સપાયરી (પતાવટનો છેલ્લો દિવસ) દર મહિને રહેશે.

દર મહિનાની પતાવટ હોવાથી મેગા અને મિની વચ્ચે આર્બિટ્રેજની તકો પણ ઉપલબ્ધ બનશે, કેમ કે એકમાં 1 મહિનાનું પ્રીમિયમ હશે તો બીજામાં 2 મહિનાનું પ્રીમિયમ હશે.

ઓપ્શનનો ઉપયોગ

બજારના સહભાગીઓ ઘણા અલગ-અલગ ઓપ્શન કોન્ટ્રેક્ટમાં સહભાગી બનતા હોય છે, જેમ કે કોઈને તેજી લાગતી હોય તો કોઈને મંદી લાગે, તો વળી કોઈને તેજી કે મંદી લાગતી ન હોય. આ તમામ ઉપરાંત ક્યારેક બજારમાં વધુ વધઘટ હોય તો ક્યારેક બજારમાં સીમિત રેન્જમાં વધઘટ હોય. તદઉપરાંત ક્યારેક એક્સપાયરીમાં વધુ સમય હોય તો ક્યારેક એક્સપાયરીની તારીખ ખૂબ જ નજીક હોય. ઉપર જણાવેલ દરેક તર્કને આધારે અલગ-અલગ સ્ટ્રેટેજીથી બજારના સહભાગી કામકાજ કરી શકે છે.

જો તમને તેજી લાગતી હોય તો તમે કોલ ઓપ્શન બાય કરી શકો છો અને જો તમને મંદી લાગતી હોય તો તમે પુટ ઓપ્શન બાય કરી શકો છો. અહિંયા ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે અ છે સમય મૂલ્ય એટલે કે ટાઈમ વેલ્યૂ અને વધઘટ એટલે કે વોલેટીલિટી.

જો તમને તેજી લાગતી ન હોય તો તમે કોલ વેચીને વેપાર કરી શકો છો. તેવી જ રીતે જો તમને મંદી લાગતી ન હોય તો તમે પુટ વેચીને વેપાર કરી શકો છો. અહિંયા જ્યારે તમે ઓપ્શન્સ વેચો છો ત્યારે વધઘટ વધવી ન જોઈએ નહિંતર આમાં નુકસાન આવી શકે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે ઓપ્શન્સ વેચો ત્યારે જોખમ સંચાલન માટે હેજિંગ કરવું જરૂરી બને છે.

આમ, ઉપરની માહિતી પરથી એક બાબત કહી શકાય કે એમસીએક્સ દ્વારા ગોલ્ડ-મિનીના ઓપ્શન ઓન ફ્યૂચર્સ ભારતીય કોમોડિટી વાયદા બજાર માટે નવા પ્રાણ ફૂંકશે અને આ બજારને એક નવી ઉંચાઈ પર લઈ જવામાં મદદરૂપ પણ બનશે. સાથે-સાથે બજારના સહભાગીઓ ખાસ કરીને એક્સચેન્જના સભ્યો, તેમના ગ્રાહકો, બિઝનેસ પાર્ટનર્સ, ડિલર્સ, જ્વેલર્સ, ડેલ્ટા હેજર્સ, ઈન્ટ્રા-ડે ટ્રેડર્સ વગેરે તમામ માટે એક નવી તકનું નિર્માણ કરવામાં મદદરૂપ બનશે એવું કહી શકાય.

સોનું-મિની ઓપ્શન્સ વિશે મહત્વની માહિતી

સેગમેન્ટ : ઓપ્શન્સ ઓન ફ્યુચર્સ (OPTFUT)

સંજ્ઞા : સોનું-મિની (GOLDM)

ટ્રેડિંગનું એકમ : 100 ગ્રામ

ક્વોટેશન : 10 ગ્રામ

1 રૂપિયાદીઠ નફો/નુકસાન : રૂ.10

ટિક સાઈઝ : રૂ.0.50

ટિકદીઠ નફો/નુકસાન : રૂ.5

સ્ટ્રાઈકની સંખ્યા : 25 આઈટીએમ – 1 એટીએમ – 25 ઓટીએમ (કોલ અને પુટ) સ્ટ્રાઈક. કુલ 51 કોલ અને 51 પુટ સ્ટ્રાઈક.

સ્ટ્રાઈક ઈન્ટરવલ : 100

ટ્રેડિંગનો સમય : સવારે 9.00 વાગ્યાથી રાત્રે 11.30 વાગ્યા સુધી

પતાવટની પદ્ધતિ : એક્સપાયરી પર વાયદામાં ડિવોલ્વમેન્ટ  (કોઈ ફિઝીકલ ડિલિવરી નથી)

 

સોનું-મિની ઓપ્શન્સના ફાયદા

  • ખરીદનારાઓ માટે ઓછા પ્રીમિયમની આવશ્યક્તા
  • સીટીટીનો નીચો ખર્ચ
  • નીચા ટ્રાન્ઝેક્શન ચાર્જિસ
  • વૈશ્વિક બજારને કારણે સોનાના ભાવની વધઘટ
  • એફએન્ડઓ પોઝિશનમાં પોર્ટફોલિયો આધારિત માર્જિનના લાભો
  • સોનું-મિની, ગોલ્ડ-ગિની, ગોલ્ડ-પેટલના વાયદા કોન્ટ્રેક્ટ્સના ઉપયોગથી ડેલ્ટા હેજિંગ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *