મહેસાણા
મહેસાણા શહેરના એસટી વર્કશોપ રોડ પરની વીરનગર સોસાયટીમાં રહેતાં અને ગંજબજારમાં પેઢી ધરાવતાં ભદ્રેશકુમાર સુરેન્દ્રકુમાર શાહ (મૂળ રહે.બોરીયાવી, તા.મહેસાણા)નો ફ્લેટ મહેસાણાના પ્રવિણભાઇ ચૌધરી મારફતે ગત ૧૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ હરપાલસિંહ ચરનસિંહ સરદાર (રહે.પુવર ક્વાટર, નરોડા, અમદાવાદ)ને મહિને રૂ. ૧૬ હજારના ભાડે આપ્યો હતો. હરપાલસિંહ ભદ્રેશકુમારને જે તે સમયે જણાવ્યું હતું કે, ગિરીશ રાધાકિશન વારડે (રહે.અંબિકાનગર, નવા ડીસા, જિ.બ.કાં.) સાથે અમદાવાદની શીવ વુડ્સ મરચન્ટની પેઢીમાં ભાગીદાર છીએ. ઉત્તર ગુજરાતમાં ઇમારતી લાકડાંના સપ્લાય માટે મહેસાણાને હેડ ક્વાર્ટર બનાવવા માટે ફ્લેટ ભાડે લીધો છે. સમય જતાં બંને શખ્સો અવાર-નવાર વેપારીને મળી વિશ્વાસનો સંબંધ કેળવી લીધો હતો. આ દરમિયાન એક વખતે ભદ્રેશકુમારને રૂ.૪ લાખ ખેડૂતોને ચૂકવવાના હતા ત્યારે ગીરીશ વારડેએ તેની કાર (જીજે ૦૮ સીસી ૯૯૫૫) માંથી તુરત જ રૂ.૪ લાખ કાઢી તેમને આપ્યા હતા. ૩ દિવસ બાદ આ રકમ વેપારીએ ગીરીશને પરત કરી દીધી હતી. ગત ૩૦ માર્ચ, ૨૦૨૨ના રોજ ગીરીશ વારડેએ ભદ્રેશકુમારને ફોન કરી હરપાલસિંહને મળવા ફ્લેટ પર બોલાવ્યા હતા. બંને શખ્સોએ વેપારીને કહ્યુ હતુ કે, દિલ્હીની એક પાર્ટીનું રૂ.૧,૧૪,૫૦,૦૦૦ કિંમતનું ઘાનાસાગનું મોટુ કન્સાઇન્મેન્ટ ગાંધીધામ કંડલા પોર્ટ ઉપર આવેલું છે. જાે તમે રૂ.૧ કરોડની રોકડથી આ કન્સાઇન્મેન્ટ ખરીદશો તો પાંચ દિવસ બાદ એટલે કે, ગત તા. ૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ રૂ.૧,૧૪,૫૦,૦૦૦માં અન્ય પાર્ટીને વેચાણ કરી આપીશું. જેમાં તમને રૂ.૧૪.૫૦ લાખનો ચોખ્ખો નફો થશે. વેપારીએ પરિવાર સાથે વાત કરી ઊંઝાની મણીલાલ મગનલાલ પટેલની આંગડીયા પેઢી કોરોનામાં બંધ થતનં હિસાબના રૂ.૬૦ લાખ અને બાકીના રૂ.૪૦ લાખ મહેસાણાની પ્રભુનગર સોસાયટીમાં રહેતાં મિત્ર નારણભાઇ વિસાભાઇ પટેલ પાસેથી એક મહિના માટે ઉછીના લઇ કુલ રૂ.૧ કરોડની વ્યવસ્થા થતાં વેપારીએ બંને શખ્સોને જાણ કરી હતી. હરપાલસિંહના જણાવ્યા અનુસાર ગત ૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ વેપારી અને ગીરીશ કન્સાઇન્મેન્ટ ખરીદવા રૂ. ૧ કરોડ સાથે કાર (જીજે ૧૮ બીએ ૫૬૩૯) લઇ પાલનપુર જુની આરટીઓ પાસેની હોટલ કારગીલ કાઠીયાવાડીએ બપોરે સાડા ત્રણ કલાકે પહોંચ્યા હતા. થોડી વાર બાદ હરપાલસિંહ પણ ત્યાં આવી ગયા હતા. હરપાલસિંહ અને ગીરીશ વેપારીને હોટલ પર બેસાડી રૂ.૧ કરોડ સાથે જીએસટી બોર્ડર ગુજરાતની ઓફિસ તરફ કન્સાઇન્મેન્ટની ગાડી લેવા ગયા હતા. દોઢ કલાક વિત્યો છતાં બંને શખ્સો પરત ન ફરતાં હરપાલસિંહને ફોન કર્યો હતો. ટ્રાફિક જામનું બહાનુ કાઢી હરપાલસિંહએ વેપારીને કાણોદર સ્વાદ હોટલ પર બેસવાનું કહ્યું હતું. સુધી ફોન પર ફોન કરવા છતાં બંને શખ્સો ન આવતાં આખરે વેપારીએ પોતાના મિત્ર નારાણભાઇ પટેલ અને કિર્તિભાઇ પ્રજાપતિને મહેસાણાથી કણોદર હોટલે બોલાવી લીધા હતા. નારાણભાઇએ છેલ્લે હરપાલસિંહને ફોન પર વાત કરતાં હરપાલસિંહે માલ કે પૈસા બંનેમાંથી કાંઇ નહી મળે તેવું જણાવી દીધું હતું. તેમજ જાે પોલીસ કેસ કરશો તો વેપારીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરના મારે વેપારી ઘરે પરત આવ્યા હતા.મહેસાણા શહેરની વીરનગર સોસાયટીમાં રહેતાં અને ગંજ બજારમાં પેઢી ધરાવતાં વેપારીનો ફ્લેટ ઓક્ટોબર, ૨૦૨૧માં અમદાવાદ અને ડીસાના ૨ શખ્સોએ ભાડે રાખ્યો હતો. સાડા પાંચ મહિના સુધી વેપારીની અવાર-નવાર મુલાકાત કરી વિશ્વાસમાં લીધા બાદ રૂ.૧ કરોડના ઘાનાસાગના કન્સાઇનમેન્ટમાં ૫ દિવસમાં ૧૪.૫૦ લાખનો નફો કરાવી આપવાની લાલચમાં વેપારીને ફસાવ્યા હતા. રૂ.૧ કરોડ સાથે કન્સાઇનમેન્ટ લેવા બંને શખ્સો વેપારીને પાલનપુર લઇ ગયા હતા. વેપારીને હોટલ પર બેસાડી બંને શખ્સો રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા. ઉઘરાણી કરતાં બંને શખ્સોએ વેપારીના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પરિવાર ડરી ગયો હતો. આ મામલે વેપારીએ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
