સાગર નિર્મળ
જુનાગઢ
તાજેતરમાં વંથલીનાં લુશાળા ગામે વીજ ચેકિંગ માટે શાપુર પી.જી.વી.સી.એલ. સબ ડીવીઝનની ટીમ ત્રાટકી હતી. પરંતુ તે સમયે લુશાળા ગામનાં સરપંચ બટુક ડાંગર અને ગ્રામજનોને વીજ ચેકિંગ કરવા આવેલી ટીમ સાથે માથાકૂટ થવા પામેલ હતી. પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરપંચ બટુક ડાંગર દ્વારા પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને ઢીકા પાટું નો માર મારેલ હતો, અને ચેકિંગ દરમિયાન બનાવવામાં આવેલ સાધનિક કાગળો ફાળી નાખ્યા હતા. આ બાદ વીજ કર્મચારીઓએ વંથલી પોલીસમાં આઈ.પી.સીની કલમ ૩૯૪, ૩૩૨, ૧૮૬, ૨૯૪ (બી), ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૯ મુજબ લુશાળા ગામના સરપંચ સહીત પચાસ લોકોના ટોળા સામે ગુન્હો નોંધાવ્યો હતો.
વંથલી પોલીસ દ્વારા લુશાળા ગામે આરોપીઓની ધરપકડ કરવા જતી વખતે ગ્રામજનો અને વંથલી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં વંથલી પોલીસના એક જવાનને હાથમાં ઈજા થઈ હતી. તેમજ અન્ય ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, કે વંથલી પીએસઆઈ અલ્પા ડોડીયા સહીત અન્ય સ્ટાફ દ્વારા માસુમ લોકોને મકાનના દરવાજા તોડી બહાર કાઢી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ધટનામાં મહિલાઓ સહીત બાળકોને પણ પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતા. ત્યારે પોલીસ દ્વારા મારવામાં આવેલ એક મહિલાને વંથલી સી.એચ.સી. ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ બાબતની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી.
આજરોજ વંથલી પોલીસ દ્વારા તમામ સરપંચ સહિત છ શખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા, અને વંથલી પોલીસ દ્વારા રિમાન્ડ પણ માગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા ન હતા. સાથે સાથે સરપંચ સહિત તમામ શખ્સોની જામીન અરજી પણ ફગાવી દીધી હતી, અને તમામને જેલ હવાલે કર્યા હતા.
