Gujarat

સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે પ્રતિ માસ મનોરોગી બહેનોનાં હેર કટિંગનું આવશ્યક કાર્ય નિસ્વાર્થભાવે છેલ્લા નવ વર્ષથી કરતા ભરતભાઈ બાબર. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ભારતીય સંસ્કૃતિમાં કેશકલાપને અનોખું સ્થાન આપેલુ છે.  આમ તો સામાન્યરીતે પુરુષવર્ગ માટે હેર કટિંગ, બાલ દાઢી વગેરે એક આવશ્યક સેવા તરીકે ઓળખાતી જોવા મળે છે. હા, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ પણ વાળની માવજત ખૂબ ધ્યાનપૂર્વક કરતી જોવા મળે છે. જો કે મનોરોગી મહિલાઓ માટે હેર કટિંગ આવશ્યક હોય છે.
એ સંદર્ભ સાવરકુંડલા માનવમંદિરમાં આશ્રય લેતી મનોરોગી બહેનોની પણ સાર સંભાળ જરૂરી છે અને માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ એ પોતાનું કર્તવ્ય સંપૂર્ણ સેવાભાવ સાથે નિભાવી રહ્યા છે. હા, એક હાથે તાળી ન પડે અને ઝાઝાં હાથ રળિયામણાં એ સંદર્ભમાં સાવરકુંડલા માનવમંદિરના આ સેવાયજ્ઞમાં અનેક સેવાકર્મીઓનું મૂક યોગદાન છે. એવાં જ એક માનવમંદિરના સેવાકર્મી એટલે *ભરતભાઈ બાબર.* આ ભરતભાઈ નિયમિત રીતે સાવરકુંડલા માનવમંદિરના મનોરોગી બહેનોનાં પ્રતિ માસ તદ્દન નિસ્વાર્થ ભાવથી માથાનાં હેર કટિંગ કરતાં જોવા મળે છે. આમ જોઈએ તો પૂ. ભક્તિરામ બાપુ પણ એક યોગીની માફક આ માનવમંદિરમાં આશ્રિત તમામ મનોરોગી બહેનોની સારસંભાળ પૂરા વાત્સલ્યભાવથી કરતાં જોવા મળે છે. કોઈની આગળ કદી હાથ લાંબો કરવો નહીં પરંતુ પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે તેનું આ નિસ્વાર્થ સેવા કાર્ય જોઈને અનેક નામી અનામી દાતાઓ દાન આપવા માટે હમેશાં તત્પર રહે છે. આમ પણ *પૂ. ભક્તિરામ બાપુ એટલે હરતું ફરતું વાત્સલ્યધામ* એનાં આશ્રમમાં અનેક મનોરોગી મહિલાઓ સાજી થતી પણ જોવા મળે છે. છેલ્લા નવ વર્ષથી આ સેવાનો ભેખ ધારણ કરી પૂ. ભક્તિરામ બાપુ આશ્રમમાં રહેતી સમાજે તરછોડેલી મહિલાઓનું જતન પણ ખૂબ સ્નેહથી કરે છે. આમ સેવા નાની હોય કે મોટી પરમાર્થ કાજે કરેલી સેવા એ જ જીવનનું સાચું ભાથું છે. અને ભરતભાઈ બાબર જેવા સેવાભાવીઓ આ સેવાકાર્યો બખૂબી કરી રહ્યા છે એ જ તો આપણાં કાઠિયાવાડની સાચી ઓળખ છે.. ધન્ય છે ભરતભાઈની સેવાને.. એક વસ્તુ ચોક્કસ છે કે જો વૈષ્ણવજનની સાચી સમજ કેળવવી હોય તો અન્ય માટે  નિસ્વાર્થ સેવા કરવી. . વળી ભરતભાઈ જેવા સેવાકર્મીઓની મૂક સેવાને શત શત વંદન.. ભરતભાઈ બાબરની આ મૂક સેવા અન્યને માટે એક પ્રેરણાસ્ત્રોત સમાન જ ગણાય.

IMG-20220528-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *