નવસારી
નવસારીમાં બિલ્ડર ગ્રુપના સંચાલકો પાલિકાનો જાહેર રોડ ઉપર ગેરકાયદેસર ગેટ મૂકી રસ્તો બંધ કરવાની કામગીરી કરવા આવ્યા હતા. જેમાં લોખંડનો ગેટ પણ લાવ્યા હતા. કોટનમિલની ચાલ અને મફતલાલ મિલ ચાલના રહીશો ઘટનાસ્થળે આવીને કામ અટકાવ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું કે, તેઓ વર્ષોથી પાલીકાના જાહેર રોડનો ઉપયોગ કરી રહ્યા છે. ચીફ એન્જિનિયર વિનયભાઈ પણ ઘટના સ્થળે આવી કામ રોકવાનું જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે રસ્તો ખોદી નાખતાં મફતલાલ મિલને અડીને આવેલી ગોલ્ડી સોલરના સંચાલકો પણ આ કામ અટકાવવા માટે આગળ આવ્યા હતા અને સ્થાનિકોનો સાથ આપ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ રસ્તામાંથી પાણીની ગટર અને વરસાદી પાણીની લાઇન પસાર થાય છે ત્યારે અહીંથી જાે ખોદકામ કરવામાં આવે તો સ્થાનિકોને મુશ્કેલી આવી શકે તેમ છે. રસ્તાના ખોદકામની જાણ થતાં જ ગોલ્ડી સોલરના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નવસારી-વિજલપોર પાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર વિનય પટેલના જણાવ્યાં મુજબ આ સમગ્ર કામગીરી અટકાવી છે. આ ખોદકામ કાયદેસર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને જાે ગેરકાયદેસર હશે તો બિલ્ડર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેવી બાંયધરી આપી હતી.નવસારીના મફતલાલ મિલથી ઘેલખડી જવાના પાલિકાના જાહેર માર્ગ ઉપર હાલમાં જ જૂની મફતલાલ મિલની જગ્યા સુરતના જી.એમ ગ્રુપ એ ખરીદી હતી. જી.એમ.ગ્રુપ નામના સુરતના બિલ્ડરો દ્વારા જગ્યાનું ગેરકાયદેસર વિસ્તરણ કરવાના ભાગ રૂપે પાલીકાના રસ્તા ઉપર ગેટ મુકવા માટે આવ્યા હતા. ત્યારબાદ જેસીબી લઈ રસ્તો ખોડી કાઢતા સ્થાનિકોએ આવી જઈ હલ્લાબોલ કર્યો હતો. તેમજ બુલડોઝરની સામે સુઈ જઈ કામ બંધ કરાવ્યું હતું. જાેકે, આ ઘટનાની ખબર પડતાં પોલીસ અને ત્યારબાદ ચીફ ઓફિસર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જેને પગલે હાલ રસ્તા ઉપર ખોદવાનું કામ બંધ કરવામાં આવ્યું છે.
