Gujarat

જેતપુર તાલુકાના લુણાગરા ગામે ખાણ ખનીજ વિભાગની રેઇડ બિનઅધિકૃત રેતીના જથ્થાને કર્યો સીલ

મીડિયાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું
સ્થળ ઉપર મોટા પ્રમાણમાં રેતીના જથ્થો જોઈ અધિકારીઓ પણ ચોંક્યા
ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરી રેતીના જથ્થાને સીલ કરીને ગ્રામ પંચાયતને સોંપ્યો
જેતપુર તાલુકાના લુણાગરા ગામ પાસે આવેલ અને જામકંડોરણા તાલુકાના હદમાં આવતી ફોફળ નદીમાંથી ખનીજ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરી લુણાગરા ગામની ગૌચરની જમીનમાં એકઠી કરીને વહન કરવા આવતું હોય  સ્થાનિક લોકો દ્વારા  મીડિયાનો સંપર્ક સાધી અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો.
 જેનો રેલો ખાણ ખનીજ વિભાગને આવતા અધિકારીઓ દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં કરોડો રૂપિયાનો રેતીના જથ્થાને સીલ કરીને ગ્રામ પંચાયતને સોંપ્યો હતો જ્યારે બીજી કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા સર્વે કરી કાર્યવાહી હાથ ધરી હતી
બનવાની વિગતો મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામ પાસે આવેલ ફોફળ નદીમાંથી ઘણા સમયથી કેટલાક રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનો સ્ટોક ગામની ખરાબો અથવા ગૌચરની જમીનમાં કરવામાં આવતો હતો.
 રેતી માફિયાઓ સરકારી તંત્રને નજર અંદાજ કરી ગેરકાયદેસર કૃત્ય કરવાનું બંધ કરતા ન હતા. બીજીબાજુ  સ્થાનિક ગ્રામજનો દ્વારા મીડિયાનો સંપર્ક સાધી અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો જેનો રેલો આવતાં ખાણખનીજ વિભાગને ગેરકાયદેસર રીતે રેતી સ્ટોક કરી હોવાની માહિતી મળતા રાજકોટ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું .
રાજકોટ ખાણખનીજનાં  ઓપરેશનમાં લુણાગરા ગામની સીમમાં ઠેરઠેર રેતીના ઢગલા ખડકાયેલા જણાયા હતા . તપાસ દરમિયાન જણાયુ હતું કે  ગામની સીમમાં કરાયેલો રેતીનો જથ્થો ગેરકાયદેસર છે. જેમાં કોઈ પણ જાતની જવાબદાર વિભાગની પરવાનગી લેવામાં આવી નથી.ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલા રેતીના સ્ટોકના સેંકડો ટન જથ્થાને સીલ કરવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયાની રેતી સીઝ કરી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રીને સ્થળ પર બોલાવી પંચનામું કરી તમામ ગેરકાયદેસર કરાયેલા રેતીના જથ્થાની માપણી કરવામાં આવી હતી .
ઉપરાંત કોના દ્વારા રેતી સ્ટોક કરવામાં આવ્યો છે તથા જે જમીન ઉપર સ્ટોક કરવામાં આવ્યો છે તેનો સર્વે કરવામાં આવશે મળતી વિગતો મુજબ લાખોની કિંમતનો જથ્થો હાલ ખાણ ખનીજ ખાતાએ સીઝ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાના પગલે રેત માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.
બોક્સ : સરપંચની શંકાસ્પદ ભૂમિકા
જેતપુર તાલુકાના લુણાગરા ગામ નજીકની ફોફળ નદીમાંથી બેરોકટોક રેતી ચોરીનું કારસ્તાન બહાર આવ્યા બાદ લાગતા વળગતા ખાણ અને ખનીજ તંત્રએ રેતીનો જથ્થો સીઝ કરીને લુણાગરા પંચાયતની જમીનમાં આ રેતી નો જથ્થો ઠાલવ્યો છે. ખાણ અને ખનીજ ખાતાના તંત્રએ લુણાગરા ગામના મહિલા સરપંચના પતિને રેતીનું ખોદકામ કોણ કોણ કરે છે તેની માહિતી માગતા મહિલા સરપંચના પતિ એ શંકાસ્પદ હિલચાલ વચ્ચે આ બાબતે તેઓ કશું ન જાણતા હોવાનું જણાવ્યું હતું. જોકે ખાણ અને ખનિજ તંત્રના કહેવા મુજબ દરેક ગામની ગૌચરની જમીનમાં કોઈપણ કૃત્ય આચરવામાં આવે તો તે માટેની જવાબદારી  ગ્રામ પંચાયતની હોય છે. ત્યારે આવડા મોટા રેતી ચોરીના કારસ્તાન બાબતે અજાણ હોવાની વાત ગળે ઉતરે તેવી નથી. મહિલા સરપંચના પતિ એવું પણ કહ્યું કે રેતી ચોરોને તેઓ નોટિસ આપવા ગયા હતા પરંતુ રેતી ચોરો મળતા નથી આ વાત પણ બુદ્ધિજીવી લોકોને ગળે ઉતરે તેવી નથી. ત્યારે કોના ઇશારે લુણાગરા ગામની ગૌચરની જમીનમાંથી રેતી ખનન થઈ રહ્યું છે તે અંગે ઉંડી તપાસ કરવાની જરૂર છે.
બોક્સ
ખાણ ખનીજ ખાતાની રીતસરની  મીલીભગત
જેતપુર : જાણકારો કહે છે કે જેતપુર તાલુકાના લુણાગરા ગામમાંથી ચોરી કૌભાંડ ઝડપી લીધા બાદ આ વાતના મોટાભાગના ઇલેક્ટ્રોનિક મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા છે. અહેવાલોમાં રેતી ચોરી ને લઈ જતાં ટ્રેક્ટરો અને લોડર પાછળ મોબાઈલ ના નંબર પણ જોઈ શકાય છે. ખાણ ખનીજ તંત્રને જો ખરેખર રેતી માફિયાઓ સુધી પહોંચવું હોય તો ટ્રેક્ટરો અને લોડર પાછળ મોબાઈલ ના નંબર ના આધારે માલિક સુધી પહોંચીને રેતી માફિયાઓ મળી શકે તેમ છે. અને આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકે છે. પરંતુ ખાણ ખનિજ તંત્ર જાણીજોઈ આ બાબતે કાંઈ કરતું ન હોવાથી જ મોટી રાજકિય ઓથ હેઠળ ખાણ અને ખનીજ તંત્ર  રેતી માફિયાઓને પ્રોત્સાહન આપતા હોવાનું જાણકારો કહે છે.
હરેશ ભાલીયા જેતપુર

Polish_20220531_130724896.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *