સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
માત્ર ફોટો પડાવીને ફરજ પૂરી કરી એમ નહીં પરંતુ વૃક્ષોનું જતન હવે જીવની માફક કરવાની પળ આવી પહોંચી છે.. રૂઠેલી પ્રકૃતિને મનાવવા માટે હવે સાચા અર્થમાં વૃક્ષારોપણ અને તેનું જતન કરીએ.. હજુ પણ મોડું થયું નથી..
———————————————————————
ગઈકાલે જ વિશ્ર્વ પર્યાવરણ દિવસ ગયો.. સામાન્ય રીતે થાય છે તેમ વૃક્ષ ઉછેર અને તેની માવજતની ડાહ્યી ડમરી વાતો થઈ. કેટલાક નેતાઓએ તો માત્ર લાઇમ લાઈટમાં રહેવા માટે વૃક્ષ ઉછેર વૃક્ષારોપણ અને તેની માવજતની ફક્ત વાતો જ કરી, તો કોઇકે તો માત્ર ફોટાના મોહે વૃક્ષારોપણના આભાસી ચિત્રો ઊભા કર્યાં..અમુકે તો એવી આભા ઊભી કરી કે જાણે પર્યાવરણના સંપૂર્ણ હિમાયતી હોય.. પરંતુ લગભગ નહિવત પ્રમાણમાં વૃક્ષો વવાયા.. ખરેખર આ ઉદાસીનતા આવનારા દિવસોમાં પર્યાવરણ ક્ષેત્રે કોઈ મોટી આફત કે મુસીબત ન બને તો સારું. હજુ પણ વાતો તો પર્યાવરણ સુધારાની કરીએ છીએ. ગ્રીન કોરીડોરની વાતો વચ્ચે મોટાપ્રમાણમાં વાહનોનો ઉપયોગ, વિશાળ માનવમેદની એકઠી કરી રેલી કરી ગૌરવ લઈએ છીએ.. આ તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય હવે આવી ચૂક્યો છે. બિનજરૂરી વાહનવ્યવહાર કે માનવજાતનું આવાગમન પણ પર્યાવરણ માટે હાનિકારક તો છે. અને વળી પાછા એ જ જનમેદની વચ્ચે ઊભા રહી પર્યાવરણ સુરક્ષા અને વૃક્ષારોપણની વાતો…!! થોડું વાસ્તવિક બનવા માટે પણ હવે કમર કસવી પડશે.. પર્યાવરણ સુધાર અને તેની જાળવણીની શરૂઆત ઘરનાં આંગણાથી જ કરવી પડશે.. ખાલી ચિંતા કર્યે સમસ્યાનું નિરાકરણ નહીં આવે, પરંતુ શુભસ્ય શિઘ્રમ.. ચાલો વાસ્તવિકતાને સ્વીકારી એક વૃક્ષ વાવીએ…. તેનું જતન કરીએ..
