રાજકોટ
સૌરાષ્ટ્રનું ગૌરવ વધારતા યુકેમાં એક ઇન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીના સ્થાપક અશોક જીવરાજ રાભેરુ, સૌરાષ્ટ્રમાં પરિવારના મૂળ ધરાવતા, રાણી એલિઝાબેથના જન્મદિવસના સન્માનની સૂચિના ભાગરૂપે, રોયલ વિક્ટોરિયન ઓર્ડરની પ્રતિષ્ઠિત નાઈટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાભેરુ અનેક હસ્તીઓમાં શામેલ હતા જેમને દેશમાં તેમના યોગદાન માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નાઈટહુડ એ મધ્યયુગીન સમયથી બ્રિટિશ રાજાશાહી દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ સન્માનોમાંનું એક માનવામાં આવે છે. જે પુરૂષો આ સન્માન મેળવે છે, તેઓ સત્તાવાર રીતે તેમના શીર્ષકનો ઉપયોગ ‘શ્રી’ને બદલે ‘સર’ તરીકે કરી શકે છે. રાભેરુ ધ ડ્યુક ઓફ એડિનબર્ગના એવોર્ડ માટેના તેમના કામની માન્યતામાં રોયલ વિક્ટોરિયન ઓર્ડરના નાઈટ કમાન્ડર બન્યા, જેને તેમણે બે દાયકાથી વધુ સમયથી વિવિધ ક્ષમતાઓમાં સમર્થન આપ્યું છે. ડ્યુક ઓફ એડિનબર્ગ એવોર્ડ એ ૧૯૫૬ માં પ્રિન્સ ફિલિપ દ્વારા સ્થાપિત એક કાર્યક્રમ છે, જે ભારત સહિત ૧૪૦ થી વધુ દેશોમાં ફેલાયેલો છે. આ પુરસ્કાર ૧૪ વર્ષથી ૨૪ વર્ષની વયના યુવાનોને મદદ કરે છે અને તેમને અનૌપચારિક શિક્ષણ દ્વારા શીખવા અને વિકાસ કરવાની શક્તિ આપે છે. રાભેરુએ જણાવ્યું હતું કે, મે ૨૦૦૦ માં આ એવોર્ડના ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી અને પછી ૨૦૧૦ માં ચેરમેન બન્યો હતો. હું આયોજન અને ભંડોળ એકત્ર કરવા માટે સ્ટીયરિંગ જૂથનો અગ્રણી સભ્ય હતો. આ એવોર્ડમાં વિશ્વભરમાંથી ૧૦ લાખ યુવાનોએ ભાગ લીધો હતો. હું હર મેજેસ્ટી તરફથી આ સન્માન એવોર્ડ મેળવીને ખુશ છું. રાભેરુના પિતાનો જન્મ કેશોદમાં થયો હતો, જ્યારે તેમની માતાનું જન્મસ્થળ જૂનાગઢ જિલ્લામાં બિલખા છે. તેના માતા-પિતા તાન્ઝાનિયામાં સ્થળાંતરિત થયા જ્યાં તેનો જન્મ ૧૯૫૨માં થયો હતો. તે ૧૫ વર્ષની ઉંમરે યુકેમાં સ્થળાંતર થયો અને લંડનમાં અભ્યાસ કર્યો હતો. રાજકોટમાં રહેણાંક મિલકતના માલિક રાભેરુએ ૧૯૮૫માં એક ૈં્ કંપનીની સ્થાપના કરી, જેની શરૂઆત માત્ર પાંચ કર્મચારીઓ સાથે થઈ હતી. આજે તેમની કંપનીમાં ૧,૧૦૦ કર્મચારીઓ છે. ત્રણ બાળકોના પિતા રાભેરુએ ઉમેર્યું હતું કે, હું સૌપ્રથમ ૧૯૯૦ માં ભારત આવ્યો હતો અને રાજકોટ જિલ્લાના વીરપુર મંદિરમાં ગયો હતો. મને આ દેશ સાથે પ્રેમ થયો અને અહીંની સંસ્કૃતિ એટલી કૌટુંબિક છે કે, મે ભારતમાં મારો વ્યવસાય વિસ્તારવાનું નક્કી કર્યું. મે બેંગ્લોરમાં ઓફિસ ખોલી છે.


