મુખ્ય પાક મગફળી, અડદ તથા તુવેરમાં રૂ. ૩૦૦, મગમાં રૂ.૪૮૦, તલમાં રૂ. ૫૨૩ તથા કપાસના ટેકાના ભાવમાં રૂ.૩૫૫ નો વધારો જાહેર કરાયો
કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે એક અખબારી યાદીમાં આનંદ સાથે જણાવેલ છે, કે ગુજરાતના ખેડુતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩ના મુખ્ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા જેના ભાગ રૂપે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી વડાપ્રધાન દ્વારા આજરોજ વર્ષ ૨૦૨૨-૨૩ ના ખરીફ પાક ના ટેકાના ભાવ ખરીફ ઋતુની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે. ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા 50 ટકા થી 85 ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.
રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાક માં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવેલ છે.
રાજ્યના મુખ્ય પાક મગફળી માં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૫૮૫૦ , તુવેર પાકમાં રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૬૬૦૦, મગ પાકમાં રૂપિયા ૪૮૦ નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાક માં રૂપિયા ૫૨૩ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૭૮૩૦, અડદ પાક મા રૂપિયા ૩૦૦ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૬૬૦૦, કપાસ પાકમાં રૂપિયા ૩૫૫ નો વધારો કરી રૂપિયા ૬૩૮૦ ટેકના ભાવ જાહેર કરેલ છે.
રાજ્યના ખેડૂતો ની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ભારત ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ખુબ ખુબ આભાર માને છે.


