જેતપુરમાં સરકારી યોજનાઓનું પ્રદર્શન યોજનાર યુવા ભાજપના કાર્યકરો બતાવ્યું “અક્કલનું પ્રદર્શન”!!
સ્ટેશન ચોક વિસ્તારમાં કરવામાં આવેલા પ્રદર્શનથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
MYSYનું પૂરું નામ ન જાણતા ભાજપના યુવાનો પ્રજા જાગૃતિ માટે હાલી નીકળ્યા !!
ઘણી વખત કહેવાય છે કે “નકલને અક્કલ ન હોય” આવી વાત ગઈકાલે જેતપુરમાં ભાજપની યુવા નેતાગીરીએ સાબિત કરી હતી. કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત યુવા ભાજપ દ્વારા જુદા જુદા બોર્ડ હાથમાં પકડીને પ્રજાને જાગૃત કરવાનો એક કાર્યક્રમ રખાયો હતો. જેમાં જોડાયેલા યુવા ભાજપના મોટાભાગના સભ્યો ને સરકારી યોજનાના પૂરા નામની પણ જાણકારી ન હતી. પત્રકારો દ્વારા પૂછાયેલા જવાબમાં આવા ભાજપના યુવાનોએ રીતસરની હાર સ્વીકારીને અમોને ખબર નથી તેવી વાત દોહરાવતા ઉપસ્થિત પ્રજામાં અચરજ ફેલાયું હતું.
“જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ” જેવા જેતપુરમાં યોજાઈ ગયેલા ભાજપના કાર્યક્રમ વિશે વાત કરીએ તો ગઈકાલે જેતપુર શહેરમાં યુવા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની પ્રવર્તમાન સમયમાં ચાલતી અને અમલી બનાવાયેલી યોજનાઓ વિશે પ્રજાને જાગૃત કરવા એક પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી.
આવા પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના સભ્યો સરકારી યોજનાઓ વિશે તો વધુ વિગતો આપી શક્યા નહોતા પરંતુ પોતપોતાની અક્કલનું પ્રદર્શન જરૂર કર્યું હોવાના જાણકારોમાં આક્ષેપો થયા હતા.
બીજી બાજુ સરકારની યોજનાઓ વિશે અજાણ ભાજપના યુવાનોએ યોજેલી પ્રદર્શન રેલી દરમિયાન ઠેકઠેકાણેથી ટ્રાફિક ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાંથી નીકળતા અને આવતાં જતાં નાના-મોટા વાહનચાલકોને લાંબો સમય સુધી અકળાયા હતા.
સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે યુવા શહેર ભાજપના પ્રમુખ રાહુલ આસરાણી એ પણ એ વાતથી અજાણ હતા કે એમવાયએસવાય એટલે શું થાય ? તેમણે પત્રકારો ના જવાબમાં એવું જણાવ્યું હતું કે આ યોજના વિશે લોકો નગરપાલિકામાંથી માહિતી મેળવી શકે છે.
વાસ્તવમાં યુવા ભાજપના પ્રમુખ પદે બિરાજતા અને અન્ય જગ્યાએ રોફ જમાવતા આ પ્રમુખ મહાશયને એમવાયએસવાય એટલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે કોઈ જાતની માહિતી ન હતી. ભાજપના એક જવાબદાર હોદ્દેદાર ભાજપની જ યોજનાની પૂરતી માહિતી ન હોવા છતાં માત્ર ને માત્ર દેખાડો કરવા માટે હાથમાં બોર્ડ લઈને ઊભા રહીને જેતપુર શહેરમાં પ્રદર્શનના નામે ટ્રાફિક સમસ્યા સર્જી હતી.
ત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે સરકારની યોજના વિશે ન જાણતા આવા કાર્યકરોને સમયાંતરે જાકારો આપવો જોઈએ. કારણ કે, જે વ્યક્તિને યોજનાની ખબર નથી અને યોજનાના બોર્ડ પકડીને શહેરની પ્રજાને છેતરવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો થયા છે.
અન્ય સભ્યોએ પણ યોજના વિશે અમારા પ્રમુખ રાહુલભાઈ જાણે છે તેવો જવાબ આપ્યો હતો. જ્યારે રાહુલભાઈ ખુદ આ બાબતે લાચાર બની જતા જોવા મળ્યા હતા.
….
બોક્સ : આને અક્કલનું પ્રદર્શન કહેવાય !!
જેતપુર : શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં કરવામાં આવેલા આવા પ્રદર્શન દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી. ટ્રાફિક પોલીસ મોડેથી દોડી આવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જુદા જુદા રાજકીય પક્ષો સાથે જોડાયેલા રાજકારણીઓ કહે છે કે તમે જ્યારે શહેરમાં પ્રજાને કોઈ પણ સરકારી યોજનાની માહિતી આપવા માટે નીકળી પડો ત્યારે તમારી પાસે આવી સરકારી યોજનાઓનો પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. અન્યથા અક્કલના પ્રદર્શન સિવાય બીજું કશું લોકો જાણી શકતા નથી.
હરેશ ભાલીયા જેતપુર


