ગાંધીનગર
ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલા રકનપુર જીઆઇડીસીમાંથી તાજેતરમાં જ સ્ટેટ વિજીલન્સની ટીમે પાડેલા દરોડા બાદ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી ગઈ છે. જેનાં પગલે સાંતેજ પોલીસે છેલ્લા એક વર્ષથી ટ્રાન્સપોર્ટનાં ધંધાની આડમાં ચાલતા દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે રૂ. ૨૮.૫૦ લાખની કિંમતનો ૧૧ હજાર ૪૪૨ નંગ દારૂ – બિયરનો જથ્થો મળીને કુલ રૂ. ૪૧.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રકનપૂર જીઆઇડીસીમાં આવેલી ભાગ્ય લક્ષ્મી એસ્ટેટમાં દરોડા પાડીને દારૂનું ગોડાઉન ઝડપી ૧૬૨ પેટી વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂ. ૭.૭૯ લાખનો મુદ્દામાલ કર્યો હતો. આ પ્રકરણમાં સાંતેજ પોલીસ મથકના પીએસઆઇ પી બી રમલાવતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જુલાઈ ૨૦૨૧માં પણ વિજીલન્સનાં દરોડાનાં કારણે સાંતેજ પીઆઈ માંજરીયાને સસ્પેન્ડ કરાયા હતા. બીજી તરફ સાંતેજ પોલીસ મથકના નવ નિયુકત પીઆઈ એલ ડી ઓડેદરાએ સ્ટેટ વિજીલન્સનાં દરોડાની ગંભીર નોંધ લઈ પોતાના હદ વિસ્તારમાં ચાલતી દારૂની પ્રવર્તીઓ ઉપર અંકુશ મેળવવા લાલ આંખ કરી સ્ટાફને કડક સૂચનાઓ આપી દેવાઈ હતી. ત્યારે સાંતેજ પોલીસ મથકમાં પીઆઈ ઓડેદરાએ આવતાંની સાથે જ સાંતેજ ગામ ખોડલ હોટલની પાછળ કોઠારી એસ્ટેટમાં છેલ્લાં એક વર્ષથી ટ્રાન્સપોર્ટનાં ધંધાની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. ઉપરોક્ત સ્થળે પોલીસ કાફલો પહોંચતા જ સુરેન્દ્ર શર્મા, વિરેન્દ્ર રઘુવીર શર્મા (રહે. વસંત વિહાર સોસાયટી, નારોલ, મૂળ હરિયાણા), દિનેશ વિજય શર્મા (રહે. વસંત વિહાર સોસાયટી, નારોલ, મૂળ હરિયાણા), અને અલ્પેશ ઉર્ફે અપો રઘુનાથ બારોટ (રહે. અવનિશ હાઈટ એપાર્ટમેન્ટ, શીલજ) નામના ચાર ઈસમો મળી આવ્યા હતા. જે પૈકી સુરેન્દ્ર લક્ષ્મીનારાયણ શર્મા (રહે. એ /૧૦૨,કર્ણાવતી એપાર્ટમેન્ટ, નારોલ) એ કબૂલાત કરી હતી કે, તે મૂળ હરિયાણાનો વતની છે. અને એક વર્ષ અગાઉ આ ગોડાઉન શિવ પેકર્સ એન્ડ મુવર્સ નામથી ટ્રાન્સપોર્ટનાં ધંધા અર્થે મયંક કોઠારી પાસેથી ભાડે લીધું હતું. તેમજ તેની આડમાં દારૂનો જથ્થો હરિયાણાથી લઈ આવ્યા હતા. આ ધંધામાં તેનો ભાગીદાર જીગ્નેશ ઉર્ફે જીગો મહેશભાઈ પટેલ (રહે. સિલિકોન સ્કવેર સાયન્સ સિટી, સોલા) છે. આ દારૂનો હિસાબ તેનો દીકરો મધુર શર્મા રાખે છે. આ કબૂલાતના પગલે પોલીસે સુરેન્દ્ર શર્મા, વિરેન્દ્ર રઘુવીર શર્મા, દિનેશ વિજય શર્મા અને અલ્પેશ બારોટની ધરપકડ કરી છે. તેમજ ઉપરોક્ત ગોડાઉનમાંથી ૧૧ હજાર ૪૪૨ નંગ દારૂ – બિયરનો જથ્થો કિંમત રૂ. ૨૮ લાખ ૫૦ હજાર ૬૦૦, પીકઅપ ડાલું, ક્રેટા કાર, પાંચ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૪૧ લાખ ૬૬ હજાર ૧૦૦નો મુદામાલ જપ્ત કરી લીધો હતો.


